Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોનાની રસી બન્ને ડોઝ લીધા બાદ મોતનું સંકટ ૯૫ ટકા ઘટે છે : આઇસીએમઆર

અધ્યયન આ વર્ષે ૧ ફેબ્રુઆરીથી ૧૪ મે સુધી તમિલનાડુના ૬૭,૬૭૩ પોલીસકર્મીઓ પર કરાયેલ : મૃત્યુ પામનાર ૩૧માંથી ૨૦ લોકો એવા હતા જેમણે રસી જ નહોંતી લીધી

નવી દિલ્હી,તા. ૭:  ICMRએ મંગળવારે કહ્યું કે કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા બાદ મોતનું સંકટ ૯૫ ટકા ઓછું થઈ જાય છે. જયારે એક ડોઝથી ૮૨ ટકા મોતનું સંકટ ઘટી જાય છે. તમિલનાડુ પોલીસકર્મીઓ પર કરવામાં આવેલી એક સ્ટડીના આધાર પર આ દાવો કરવામાં આવ્યો છે. આ અધ્યયન આ વર્ષે ૧ ફેબ્રુઆરી થી ૧૪ મે સુધી તમિલનાડુના પોલીસકર્મીઓ પર કરવામાં આવ્યું હતુ.

અધ્યયનમાં શામેલ તમિલનાડુના ૬૭૬૭૩ પોલીસકર્મીઓએ રસીના બે ડોઝ લીધા છે. જયારે ૩૨૭૯૨ લોકોએ ફકત એક ડોઝ લીધો અને ૧૭૦૫૯ એવા હતા જેમણે એક પણ ડોઝ નહોતો લીધો. આમાંથી બાદમાં ૩૧ લોકોના મોત થયા છે. મરનારાઓમાં ૪ લોકો એવા હતા જેમણે રસીના બન્ને ડોઝ લીધા હતા જયારે ૭ લોકો એવા હતા જેમણે એક ડોઝ લીધો હતો અને ૨૦ એવા હતા જેમણે રસીનો એક પણ ડોઝ નહોંતો લીધો.

સ્ટડીમાં એમ પણ સામે આવ્યું છે કે જે લોકોએ રસી લીધી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ ૭૭ ટકા સુધી ઓછી હતી. ત્યારે રસી લેનારાઓ માટે ઓકિસજનની જરુરિયાત ૯૫ ટકા ઓછી હતી. જયારે તેમને આઈસીયૂમાં દાખલ થવાની જરૂર ૯૪ ટકા ઘટી જાય છે.

આ દરમિયાન દેશમાં કોવિડના ૧ દિવસમાં ૩૪, ૭૦૩ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩, ૦૬, ૧૯, ૯૩૨ થઈ ગઈ. જયારે ૫૫૩ અને દર્દીના મોત થવા પર મૃતકોની સંખ્યા વધીને ૪, ૦૩, ૨૮૧ થઈ ગઈ છે. ગત ૧૧૧ દિવસમાં સંક્રમણના સૌથી ઓછા નવા મામલા અને ૯૦ દિવસમાં સૌથી ઓછા મોત થાય છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે ૮ વાગે આવેલા આંકડા મુજબ દેશમાં એકિટવ કેસની સંખ્યા ૪, ૬૪, ૩૫૭ છે. જે કુલ મામલાના ૧.૫૨ ટકા છે. જયારે કોવિડમાં સ્વસ્થ થવાનો દર સુધારીને ૯૭.૧૭ ટકા થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે ૨૪ કલાકના સમયમાં એકિટવ કેસની સંખ્યામાં ૧૭, ૭૧૪નો ઘટાડો નોંધાયો છે.

(3:23 pm IST)