Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકીય સમ્માનની સાથે સાંજે દિલીપકુમારના થશે અંતિમ સંસ્કાર

બપોરે પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યોઃ અંતિમ દર્શને બોલીવુડ સેલેબ્રેટીઓ પહોંચ્યા

મુંબઇ, તા.૭: દિલીપકુમારે આજે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપકુમારના અંતિમ સંસ્કાર આજે મુંબઇના શાંતાક્રુઝ કબ્રસ્તાનમાં કરવામાં આવશે. દિલીપકુમારનું પાર્થિવ શરીર હાલમાં તેના ઘરે છે. જયાં બોલીવુડ એકટરો અંતિમ દર્શને પહોંચી રહયા છે. પોલીસનું કહેવું છે કે અંતિમ દર્શન માટે ફકત સેલીબ્રેટીઝને અંદર આવવાની મંજુરી આપવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય સમ્માનની સાથે સાંજે પાંચ વાગ્યે દિલીપકુમારના અંતિમ સંસ્કાર થશે.

લિજેન્ડરી એકટર દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. જયારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલથી બપોરે તેમનો પાર્થિવ દેહ તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. અહીં એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે પણ દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે સાયરાબાનોને સાંત્વના પાઠવી હતી.

દિલીપ કુમારના ઘરે ધર્મેન્દ્ર, વિદ્યા બાલન, શબાના આઝમી સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા. તેઓ દિલીપ કુમારને ભાઈ માનતા હતા અને તેમને રાખડી બાંધતા હતા. લતા મંગેશકરે દિલીપ કુમારના નિધન પર ટ્વીટ કરી દુખ વ્યકત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે દિલીપ કુમાર નાની બહેનને છોડીને જતા રહ્યા.

આ સાથે જ તેમણે પોતાની, દિલીપ કુમાર અને સાયરા બાનો સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ દિલીપ કુમારને રાખડી બાંધતા જોવા મળે છે.

લતા મંગેશકરે અન્ય એક ટ્વીટમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને કોઈને ઓળખી શકતા પણ ન હતા. તેવામાં સાયરા બાનો જેમને તે ભાભી કહે છે તેમની સતત સેવા કરતા રહ્યા.

(3:22 pm IST)