Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

લોકોની બેદરકારીની ડરામણી-ભયાવહ તસ્વીરઃ કોરોનાની ચિંતા જ નથી

પર્યટન સ્થળો મનાલી, મસુરી, શીમલા તથા દીલ્હી-મુંબઇની બજારોમાં : કોરોના હજી આપણી વચ્ચેઃ યોગ્ય વર્તન જ બચાવશેઃ આવુ વર્તન અત્યાર સુધીની મહેનત ઉપર પાણી ફેરવશેઃ લવ અગરવાલ

કોરોના વાઇરસની લેટેસ્ટ સ્થિતિ વિશેના મીડિયા સાથેના સંવાદમાં હેલ્થ-મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગરવાલે લોકોના 'રિવેન્જ ટ્રાવેલ' વિશે ચિંતા પ્રગટ કરી હતી.

મનાલી, શિમલા, મસૂરી જેવાં હિલ-સ્ટેશનો તથા દિલ્હી અને મુંબઇની માર્કેટોની મીડિયામાં આવેલી તસ્વીરો રજૂ કરીને માસ્ક અને ફિઝિકલ ડિસ્ટન્સ વગરના લોકોની ભીડ પ્રત્યે લવ અગરવાલે આઘાત વ્યકત કર્યો હતો.

લવ અગરવાલે મીડિયા બ્રીફિંગમાં કહયું હતું કે 'આ તસ્વીરોમાં જે જોવા મળી રહયું છે એ ડેન્જરસ છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે વાઇરસ હજી આપણી વચ્ચે જ છે અને કોવિડ-યોગ્ય વર્તન જ આપણને વાઇરસથી બચાવશે. અત્યાર સુધી નિયંત્રણોને લીધે ઘરે બેઠેલા લોકો થોડી છૂટ મળતાં જ બહાર નીકળી પડે અને નિયમો ન પાળે એ જોખમી છે. લોકોનું આવું વર્તન આપણી અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી દેશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેકટર જનરલ ડો.બલરામ ભાર્ગવે પણ આ તસ્વીરોને ડરામણી ગણાવતાં કહયું હતું કે મહામારી સામે લડવામાં ભવિષ્યમાં આવનારો પડકાર થર્ડ વેવ નહીં પણ આપણે કઇ રીતે વર્તીએ છીએ એ હશે.

(3:22 pm IST)