Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોના હળવો પડતા ઉડ્યન ક્ષેત્રે ઉંચી ઉડાન : હવાઈ મુસાફરોની સંખ્યામાં 42 ટકાનો વધારો

જૂન માં દરરોજ સરેરાશ આશરે 1,100 ફ્લાઇટ્સ રવાના

નવી દિલ્હી : દેશમાં કોરોનાની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે, જૂન મહિનામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 40 ટકાથી વધારેની વૃદ્ધિ નોંધાઈ છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ઇક્રાએ આજે જણાવ્યું છે કે, જૂનમાં હવાઈ મુસાફરોની સંખ્યા 29-30 લાખ હોવાનો અંદાજ છે. જે મે મહિનામાં 19.8 લાખ કરતા 41-42 ટકા વધારે છે.

વિવિધ એરલાઇન્સ દ્વારા પણ મેની તુલનામાં જૂનમાં ઉપલબ્ધ સીટની સંખ્યામાં લગભગ 14-15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જૂનની તુલનામાં, બેઠકની ક્ષમતા 46 ટકા વધુ હતી.

ઈક્રાના વાઇસ પ્રેસિડેન્ટ કિંજલ શાહે જણાવ્યું હતું કે, જૂન 2021માં દરરોજ સરેરાશ આશરે 1,100 ફ્લાઇટ્સ રવાના થઈ હતી. ગયા વર્ષે જૂનમાં આ સંખ્યા 700 હતી અને આ વર્ષે મે મહિનામાં 900 હતી. જો કે, એપ્રિલ 2021માં આ 2,000 ફ્લાઇટની સંખ્યા હતી. મે મહિનામાં દરેક ફ્લાઇટમાં લગભગ 77 મુસાફરો યાત્રા કરી હતી. જૂનમાં આ આંકડો વધીને 94 થયો હતો. સાથે જ તેમણે કહ્યું કે, જૂનમાં ઉડ્ડયન ક્ષેત્રે માંગમાં થોડો સુધારો થયો છે.

સરકારે એરલાઈન્સને 5 જુલાઈથી ક્ષમતામાં 65 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ વધારો 31 જુલાઈથી લાગુ થશે. સ્થાનિક પેસેન્જર ટ્રાફિક આ વર્ષે જૂનમાં 29-30 લાખ જેટલો રહ્યો હતો. જ્યારે મેમાં તે લગભગ 19.8 લાખ રહ્યું હતું. સરકારના આદેશ અનુસાર મે મહિનામાં એરલાઇન્સની ક્ષમતા 80 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવી હતી

(1:05 pm IST)