Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જીએસટીઆર ૧નું રિટર્ન મોડું ભરાયું તો પણ હવે દંડ વસૂલવા માટે કવાયત

૧ એપ્રિલથી નિયમ લાગુ કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી : જોકે, હજુ સુધી સત્તાવાર જાહેરનામું આવ્યું નહીં હોવાથી વેપારીઓને રાહત

મુંબઇ, તા.૭:  જીસટીઆર ૧ મોડું ભરનાર પાસેથી પણ દંડ વસૂલાત કરવાની  જોગવાઈ કરવા આવી છે. પરંતુ તે માટેની સત્તાવાર જાહરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નહીં હોવાના કારણે હજુ સુધી વસૂલાત કરવામાં આવતી નથી. તેના કારણે વેપારીઓ હાલ તો રાહત અનુભવી રહયા છે.

જીએસટી લાગુ થયા બાદ નિયમિત રિટર્ન નહીં ભરનારા પાસેથી રિટર્ન કરતા દંડની વસૂલાત વધુ કરવામાં આવી રહી છે. કારણ કે વેપારીઓ રિટર્ન ભરતા થાય તો તેઓ પાસેથી ખરીદી કરનારાઓને પણ સરળતાથી ક્રેડિટ મળી રહે તે માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. જો કે, દંડની પહેલાની જોગવાઇ કરતા હાલના નિયમોમાં થોડી ઘણી રાહત પણ આપવામાં આવી છે. શરૂઆતમાં એક દિવસ રિટર્ન મોડું ભરનાર પાસેથી રોજના ૨૦૦ રૂપિયા દંડ વસૂલાત કરવામાં આવતો હતો. જે જે હાલમાં ઘટાડીને રોજના ૫૦ અને વધુમાં વધુ ૧૦ હજાર વસૂલાત કરવાની જોગવાઈ અમલમાં છે. જોકે, અત્યાર સુધી જીએસટીઆર ૩બી રિટર્ન  મોડું ભરનાર પાસેથી જ દંડની વસૂલાત થતી હતી. જયારે હવેથી જીએસટીઆર ૧નું રિટર્ન પણ મોડું ભરનાર પાસેથી દંડ વસુલાત કરવાનો અમલ શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, આ માટેની જાહેરાત તો કેન્દ્ર સરકારે બજેટમાં જ કરી દીધી હતી. પરંતુ તેનો અમલ હજુ સુધી કર્યો નહીં હોવાને કારણે પોર્ટલ પર પણ દંડ વસૂલાત કરવામાં આવતો નથી. જયારે આગામી દિવસોમાં દંડ વસુલાત શરૂ કરવામાં આવે તેવી તજવીજ હાથ ધરાઇ હોવાની વિગતો જાણવા મળી છે.

  • જાહેરનામાના અભાવે હાલ હંગામી રાહત

આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહે જણાવ્યુ હતુ કે એપ્રિલ માસથી નિયમ લાગુ કરવામા આવનાર હતો, પરંતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ નહીં હોવાથી અમલ કરાયો નથી. પરંતુ જીએસટીઆર ૧ મોડું ભરનાર પાસેથી એક સાથે વસુલાત કરવામાં આવે તેવી પણ શકયતા નકારી શકાય તેમ નથી જેથી એપ્રિલ માસથી રિટર્ન મોડું ભરનાર પાસેથી વસૂલાત થઇ શકે તેમ છે.

(12:53 pm IST)