Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

તાલિબાનની નાટોને ચેતવણી : ૧૧ સપ્ટેમ્બર પહેલાં ચાલ્યા જાવ નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો

અમેરિકન લશ્કર જતાં જ અફઘાનિસ્તાનના સૈનિકો તાલિબાનની શરણાગતિ સ્વીકારવા લાગ્યા

અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેનના આદેશથી ૯/૧૧ની ૨૦મી તિથિએ અમેરિકન લશ્કરની ટ્રુપ્સ અફઘાનિસ્તાન છોડી રહી છે. બધી ટ્રુપ્સ અફઘાનિસ્તાન છોડી ગયા પછી આખા અફઘાનિસ્તાન પર કબજો કરવાની તાલિબાનની નેમ સ્પષ્ટ દેખાવા લાગી છે. અમેરિકન લશ્કર જતાં જ અફઘાનિસ્તાનના સૈનિકો તાલિબાનની શરણાગતિ સ્વીકારવા લાગ્યા છે. તેમની સામે શસ્ત્રો હેઠાં મૂકવા લાગ્યા છે તેની અમેરિકન જનરલ ઓસ્ટિન સ્કોટ મિલરે ફિલ્મ બનાવી છે. થોડા દિવસમાં અમેરિકાની આખરી ટ્રુપ્સ પણ વિદાય લે એ પહેલાં તાલિબાને બ્રિટનના નેતત્વ ધરાવતા નાટો દળોને ચેતવણી આપી છે કે ૧૧ સ્પ્ટેમ્બર સુધીમાં જતા રહો નહિતર પરાણે ધરતી બથાવી પડેલા લશ્કર સાથે થાય એવો વર્તાવ કરવામાં આવશે. તાલિબાની અને જેહાદી પરિબળો દૂર-સુદૂરના વિસ્તારોમાં પોતાનો કબજો કરી ચૂક્યા છે અને હવે તેઓ વિસ્તાર કરતા કરતા શહેરો તરફ આગેકૂચ કરી રહ્યા છે. ૪૨૧ જિલ્લાઓમાંથી ૧૨૭ જિલ્લાઓ પર તાલિબાનનો કબજો થઈ ગયો છે.

કટ્ટરવાદી દળોના નેતા સુહૈલ શાહીને સ્પષ્ટ કર્યું હતું કે તાલિબાનની નેમ કાબુલ ઉપર કબજો કરવાની નથી. અમેરિકાએ બગરામ એરપોર્ટ પરથી લશ્કર પાછું ખેંચી લીધું એ ખૂબ ઐતિહાસિક અને સકારાત્મક સમાચાર છે. આ એરપોર્ટ અને તેનું લશ્કર અફઘાનિસ્તાનમાં અમેરિકાનો મોટામાં મોટો ગઢ હતાં. સાથે જ તાલિબાને ચેતવણી આપી હતી કે ૧૧ સપ્ટેમ્બર પછી કોઈ વિદેશી લશ્કર કાબુલમાં ન રહે એ પણ જરૂરી છે. નહિતર અમારે પ્રતિકાર કરવો પડશે.

રાહત આપનાર અહેવાલ એવા છે કે અમેરિકા ઓછામાં ઓછું ૧,૦૦૦ ટુકડીનું લશ્કર કાબુલ એરપોર્ટ ઉપર રહેવા દેશે જેથી રાજદ્વારી કામગીરી કરનાર લોકો સલામત રહે. અફઘાનિસ્તાનની વર્તમાન સરકારના લશ્કરની ૧,૦૦૦થી વધુ ટ્રુપ્સ જિહાદીઓ સાથે અથડામણ થયા પછી ઉત્તર સરહદેથી ભાગીને તાજિકિસ્તાન પહોંચી ગઈ છે. અમેરિકન લશ્કરનું પીઠબળ જતું રહ્યું છે અને નાટો દળોનું નજીકના ભવિષ્યમાં જતું રહેશે એ હકીકત અફઘાનિસ્તાનની અમેરિકાના પીઠબળથી રચાયેલી સરકારના સૈન્યને નાહિંમત કરી રહી છે.

હાલ પૂરતું બ્રિટનનું લશ્કર અફઘાનિસ્તાન છોડવાનું નથી. નેશનલ સિક્યુરિટીની બેઠક પછી વડાપ્રધાન બોરિસ જોન્સન કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી બ્રિટિશ સૈન્ય અફઘાનિસ્તાનમાં જ રહેશે. અફઘાન સરકારના સેન્યને તાલીમ અને હિંમત આપતા રહેશે. અમેરિકાના અફઘાનિસ્તાન છોડવાના પગલાંને સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ ગણાવે છે. અફઘાન સૈન્યના જનરલ મીર અસદુલ્લાહ મોહિસ્તાનીએ જણાવ્યું કે તેમને આઘાત એ વાતનો લાગ્યો હતો કે બગરામ એરપોર્ટ પર જે અમેરિકન સૈન્યને અફઘાન સૈનિકોએ ૨૦ વર્ષ સાથ આપ્યો એ લોકો રાતોરાત અફઘાન સૈનિકોને જાણ પણ કર્યા વગર એરપોર્ટ છોડી ગયા. અફઘાન સૈન્યને બીજા દિવસની સવારે આ વાતની ખબર પડી હતી

(12:15 pm IST)