Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બોલીવુડ ફરી બન્યું બ્લેક એન્ડ વ્હાઇટઃ જીવનના અભિયાનમાંથી દિલીપ કુમારની એકઝીટ

આજે બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે ૯૮ વર્ષની વયે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : સત્યજીત રાયે તેમને ''ધ અલ્ટીમેટ મેથડ એકટર'' તરીકે ઓળખાવ્યા હતા. : દિલીપ સાહેબ તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ સાથે અંતિમ શ્વાસ સુધી રહ્યા હતા. : દિલીપ કુમારે પોતાની આત્મકથા ''ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો'' માં તેના અનુભવોનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે. : 'બોમ્બે ટોકીઝ'ના માલિક દેવિકા રાણી એ તેમને પહેલો બ્રેક આપેલો : અનેક ગંભીર રોલ પણ ભજવ્યા હતા જેથી તેમને બોલિવુડના ટ્રેજેડી કિંગનો ખિતાબ મળેલો

રાજકોટ, તા.૦૭: ભારતીય સિનેમા આજે ફરી બ્લેક એન્ડ વ્હાઇટ બન્યું કારણ જીવનના અભિનયમાંથી દિલીપ કુમારે એકઝીટ લીધી. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે નિધન થયું હતું. બોલીવુડના ટ્રેજેડી કિંગનું ૯૮ વર્ષની વયે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું. તેઓ છેલ્લા મહિનાથી શ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૩૦ જૂને દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ સાહેબ તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ સાથે અંતિમ શ્વાસ સુધી રહ્યા હતા. તેમને સાંજે પ વાગે ૫ વાગે જુહુમાં સુપર્દ-એ-ખાક કરવામાં આવશે.

 મહંમદ યુસુફ ખાન નો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ ના રોજ બ્રિટિશ ઈન્ડિયાના પેશાવર ખાતે આવેલી કિસ્સા ખાવાની બજાર એરિયાની હવેલીમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું. તેમની માતાનું નામ આયશા બેગમ અને પિતાનું નામ લાલા ગુલામ સર્વર ખાન હતું. દિલીપકુમારના પિતા મુંબઇમાં ફળોના મોટા વેપારી હતા, તેથી શરૂઆતના દિવસોથી જ દિલીપકુમારને તેમના કૌટુંબિક બિઝનેસમાં જોડાવું પડ્યું હતું. ત્યારે દિલીપકુમાર ઉદ્યોગપતિ મોહમ્મદ સરવર ખાનના પુત્ર યુસુફ સરવર ખાન તરીકે ઓળખાતા. દિલીપ કુમારને ૧૨ ભાઈ-બહેનો હતા અને તેમણે નાસિકના દેઓલી ખાતે આવેલી બાર્નેસ શાળામાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. સુપરસ્ટાર રાજ કપૂર તેમના બાળપણના મિત્ર હતા. બંનેએ એક જ મહોલ્લામાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને આગળ જતા તેઓ ફિલ્મી સિતારા અને સાથી બન્યા હતા. તેઓ ભારતીય ફિલ્મોમાં દિલીપ કુમાર તરીકે જાણીતા બન્યા. જેઓ 'ટ્રેજેડી કિંગ' તરીકે પણ ખ્યાતનામ હતા. સત્યજીત રાયે તેમને 'ધ અલ્ટીમેટ મેથડ એકટર' તરીકે ઓળખાવ્યા હતા. દિલીપકુમારનું પ્રારંભિક શિક્ષણ નાસિકમાં થયું હતું. બાદમાં તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જવાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત અંદાજ (૧૯૪૯), આન (૧૯૫૨) તેમજ નાટકીય દેવદાસ (૧૯૫૫), રમુજી ફિલ્મ  આઝાદ (૧૯૫૫), ઐતહાસિક  'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો હતો.દિલીપ કુમારનો પરિવાર વર્ષ ૧૯૩૦ માં મુંબઇ સ્થાયી થયો હતો. દિલીપકુમારના પિતા ફળ વેચતા હતા. દિલીપકુમાર બાળપણથી જ પ્રતિભાશાળી હતા પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેમનું બાળપણ મુશ્કેલીઓમાં પસાર થયું હતું. અહેવાલ મુજબ વર્ષ ૧૯૪૦ માં પિતા સાથે મતભેદ થયા પછી તે પૂણે આવ્યા હતા. અહીં દિલીપકુમાર કેન્ટિનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેની મદદથી તેણે આર્મી કલબમાં સેન્ડવિચ સ્ટોલ ઉભો કર્યો હતો. કેન્ટિનમાંથી મળેલી કમાણી સાથે દિલીપકુમાર મુંબઈમાં તેના પિતા પાસે પાછા આવ્યા અને કામ શોધવાનું શરૂ કર્યું હતું. અહેવાલ મુજબ વર્ષ ૧૯૪૦ માં પિતા સાથે મતભેદ થયા પછી તે પૂણે આવ્યા હતા. અહીં દિલીપકુમાર કેન્ટિનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેની મદદથી તેણે આર્મી કલબમાં સેન્ડવિચ સ્ટોલ ઉભો કર્યો હતો. એ વખતે ભારતની આઝાદીની લડતને ટેકો આપવા બદલ તેમની ધરપકડ પણ થઇ હતી. દિલીપ કુમારે પોતાની આત્મકથા 'ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો' માં આ અનુભવોનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે.એક વખત દિલીપ કુમાર તેઓ મુંબઇના ચર્ચગેટ સ્ટેશન પર લોકલ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેઓ એક જાણીતા માનસશાસ્ત્રી ડો.મસાણીને મળ્યા. જેઓ શ્નઊંટજ્રાડઊંચ ટોકીઝ'ના માલિક દેવિકા રાણીને મળવા જઇ રહ્યા હતા. તેણે યુસુફ ખાનને કહ્યું કે મારી સાથે ચાલ શું ખબર, તને ત્યાં થોડુંક કામ મેળી જાય.! પહેલા તો યુસુફ ખાને ના પાડી પણ પહેલીવાર મૂવી સ્ટુડિયોમાં જવાની આકર્ષણના કારણે તે સંમત થઈ ગયા. તેઓને ભાગ્યે જ ખબર હતી કે તેમનું ભાગ્ય બદલવાનું છે. બોમ્બે ટોકીઝ એ યુગનું સૌથી સફળ ફિલ્મ પ્રોડકશન હાઉસ હતું. દિલીપ કુમારે પોતાની આત્મકથા ' ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો' માં લખ્યું છે કે જયારે તેઓ તેની કેબીન પર પહોંચ્યા ત્યારે તેમને દેવિકા રાણીને એક પ્રતિષ્ઠિત મહિલા તરીકે મળ્યા. દિલીપકુમારનો પરિચય આપીને ડો.મસાણીએ દેવિકા રાણી સાથે તેમના માટેના કામ વિશે વાત કરી. આ પછી દેવિકા રાનીએ દિલીપકુમારને પૂછ્યું કે તમે અભિનેતા બનશો? આ પ્રશ્નની સાથે દેવિકા રાનીએ તેમને માસિક ૧૨૫૦ રૂપિયાની નોકરીની ઓફર કરી હતી. ડોકટર મસાણીએ દિલીપ કુમારને આ તક સ્વીકારવા કહ્યું. ત્યારે દિલીપકુમારે દેવિકા રાણીનો આ ઓફર બદલ આભાર માનતા કહ્યું કે, તેમને ન તો કામનો અનુભવ છે કે ન તો સિનેમા વિશે સમજ છે. દેવિકારાણીએ કહ્યું, 'મને એક યુવાન, સારા દેખાવ ધરાવતા અને શિક્ષિત અભિનેતાની જરૂર છે. હું તમારામાં સારા અભિનેતા બનવાની ક્ષમતા જોઉં છું.' આ ઓફર સ્વીકારીને તે બોમ્બે ટોકીઝના અભિનેતા બની ગયા.

 દિલીપ કુમારે પોતાની આત્મકથામાં લખ્યું છે, દેવિકારાણી યુસુફને એક અભિનેતા તરીકે વહેલી તકે લોન્ચ કરવા માંગતા હતા. તેથી સ્ક્રીન પરનું નામ રાખવા વિચારતા હતા. તેમણે યુસુફખાનનું નામ 'દિલીપ કુમાર' રાખ્યું.

 કેટલીક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ દિલીપ કુમારે અભિનેત્રી નૂર જહાં સાથે જુગનૂ નામની ફિલ્મમાં કામ કર્યું હતું જે તેમની પહેલી હિટ ફિલ્મ હતી. ત્યાર બાદ તેમણે શહીદ અને મેલા જેવી હિટ આપી હતી. ત્યાર બાદ તેમણે નરગિસ અને મિત્ર રાજ કપૂર સાથે ફિલ્મ શબનમમાં કામ કર્યું હતું જે બોકસઓફિસ પર હિટ રહી હતી. ૧૯૫૦નો સમય દિલીપ કુમારનો હતો જયારે તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપી હતી. તે સમયમાં દિલીપ કુમારે અનેક ગંભીર રોલ પણ ભજવ્યા હતા જેથી તેમને બોલિવુડના ટ્રેજેડી કિંગનો ખિતાબ મળ્યો હતો. ટ્રેજિક પાત્ર ભજવવાના કારણે તેમણે થોડા સમય માટે ડિપ્રેશનનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યાર બાદ મનોચિકિત્સકની સલાહ માનીને તેમણે ખુશમિજાજ પાત્રો ભજવવાનું ચાલુ કર્યું હતું. દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શકયા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઇ શકયું. તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટકયા નહી.

 દિલીપકુમારે આઠ ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારનું નામ સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. દિલીપકુમારને ૧૯૯૧ માં પદ્મ ભૂષણ અને ૨૦૧૫ માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૯૪ માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી રાજયસભાના સભ્ય પણ હતા. ૧૯૯૮ માં તેમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન, નિશન-એ-ઇમ્તિયાઝ એવોર્ડ પણ મળ્યો હતો.

 ગયા વર્ષે દિલીપકુમારે તેના બે નાના ભાઈઓ અસલમ ખાન (૮૮) અને એહસાન ખાન (૯૦) ને કોરોનાવાયરસથી ગુમાવ્યા હતા. જે બાદ તેણે પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ઉજવી ન હતી. જોકે, સાયરા બાનુએ કહ્યું હતું કે, બંને ભાઈઓના મોતના સમાચાર દિલીપ કુમારને આપવામાં આવ્યા નહોતા. દિલીપકુમારના મોતના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સેલેબ્રીટીઓ અને રાજકિય આગેવાનોએ સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને અભિનેતાને શ્રદ્ઘાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે જયારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. દિલીપ કુમાર જેવો અભિનેતા ન કદી કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતો અને ન હશે. સિનેમાનો સદા ચમકતો તારો આજે આ દુનિયાથી દૂર ગયો છે, પરંતુ તેનો પ્રકાશ આપણા હૃદયમાં હંમેશા જીવંત રહેશે. (૪૦.૧૮)

પાકિસ્તાનમાં આવેલી પૈતૃક હવેલીને મ્યુઝિયમ બનતા જોવા માગતા હતા દિલીપ કુમાર

 દિલીપ કુમાર પાકિસ્તાનથી મુંબઇ આવ્યા હતા, પરંતુ તેઓને હંમેશા પેશાવરમાં તેણે પસાર કરેલું ઘરમાં તેનું બાળપણ યાદ આવતું. તેમણે ગયા વર્ષે ટ્વિટ કર્યું હતું કે કોઈ ફકત તેના પેશાવરના ઘરનું ચિત્ર બતાવી આપો પ્લીઝ. દિલીપ કુમારની પૈતૃક હવેલીને વર્ષ ૨૦૧૪માં અને રાજ કપૂરની હવેલીને વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી હતી. આ બંને હવેલીઓ પેશાવર શહેરમાં કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે. પૈતૃક હવેલીઓ પર ઔપચારિક સંરક્ષણની પ્રોસેસ ચાલુ છે. પરંતુ અફસોસ કે દિલીપ સાહેબ હવેલીને મ્યુઝિયમ બનતી જોતા પહેલાં જ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

 કિસા ખુવાની બજારમાં સ્થિત, મોગલ-એ-આઝમ અભિનેતાએ ભાગલા પહેલા તેમના જીવનના શરૂઆતના દિવસો ગાળ્યા હતા. રાજ કપૂરનું પૂર્વજોનું દ્યર પણ ત્યાં પડોશમાં જ છે. ત્યાંની સરકારે ૮૦ લાખ રૂપિયા નક્કી કરીને આ હવેલી ખરીદી હતી. (૪૦.૧૯)

અલવિદા દિલીપ કુમાર... નેતાઓ, અભિનેતાઓએ આપી શ્રધ્ધાંજલિ...

 દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે. સેલેબ્સ તથા દેશના જાણીતા નેતાઓએ સોશ્યલ મીડિયામાં તેમને શ્રદ્ઘાંજલિ પાઠવી છે.

 'એક સંસ્થા જતી રહી. જયારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે એ માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું...' - અમિતાભ બચ્ચન

  દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે. - વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

  દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. - રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

  અમારા એકટર માટે તેઓ અસલી હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ પોતાની સાથે લઈ ગયા. - અક્ષય કુમાર

  મેં લિજેન્ડ સાથે અનેક ક્ષણો પસાર કરી છે. કેટલીક અંગત તો કેટલીક સ્ટેજ પર. તેઓ એક સંસ્થા હતા. એક શાનદાર એકટર હતા. - અજય દેવગણ

  દિલીપ કુમારના પરિવાર, મિત્રો, ચાહકો પ્રત્યે સંવેદના છે. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે. - રાહુલ ગાંધી

(3:24 pm IST)