Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

નવ એશિયાઈ સિંહોમાં મળ્યો કોરોનાનો ડેલ્ટા વેરીયંટ

ચેન્નાઈના ઝૂમાં કેસ મળ્યા પછી અન્ય ઝૂઓ માટે ચિંતાજનક વાત : બે સિંહો અને એક સિંહણનું મોત

નવી દિલ્હી, તા. ૭ :. કોરોના વાયરસનો ડેલ્ટા વેરીયંટ માણસોની સાથે સાથે પશુઓ માટે પણ જીવલેણ છે. મે મહિનામાં ચેન્નાઈના અરિગ્નાર અન્ના ઝુલોજીકલ પાર્કમાં સંક્રમિત મળેલા એશીયાઈ સિંહોમાં જીનોમ સીકવંસીંગ દ્વારા ડેલ્ટા વેરીયંટની ઉપસ્થિતિની ખબર પડી છે. દેશમાં પહેલીવાર નવ એશિયાઈ સિંહોમાં આ વેરીયંટ મળી આવ્યો છે. જ્યારે બે સિંહોનો જીવ આ વાયરસે લઈ લીધો છે.

નીલા અને પથબનાથન નામના સિંહ-સિંહણના મોત ૩ અને ૧૬ જૂને થયા હતા. એ બન્નેની ઉંમર ક્રમશઃ ૯ અને ૧૨ વર્ષની હતી. અત્યાર સુધીમાં અમેરિકા અને સ્પેન ઉપરાંત ઝેક ગણરાજ્યના સિંહો સંક્રમિત મળ્યા હતા જેમાં આલ્ફા વેરીયંટની પુષ્ટિ થઈ હતી પણ ડેલ્ટા વેરીયંટનો કેસ દુનિયામાં પહેલીવાર ભારતમાં જાહેર થયો છે.

મેડીકલ જર્નલ બાયોરેકસીવમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયુ છે કે બધા સિંહોના સેમ્પલ જીનોમ સિકવંસીંગ માટે ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાન (આઈસીએઆર)માં મોકલાયા હતા. જ્યાં ૧૧માંથી ૯ સેમ્પલમાં નિષ્ણાંતોને ડેલ્ટા વેરીયંટ મળ્યો હતો. આ બધા ગયા મે મહિનામાં સંક્રમિત મળી આવ્યા હતા. સિકવંસીંગ દરમ્યાન જ બેના મોત થયા હતા. સંક્રમિત સિંહ-સિંહણમાં ભૂખના લાગવી, નાકમાંથી લોહી નિકળવું, ખાંસી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર પછી અભ્યાસ આગળ વધારાયો હતો. અભ્યાસમાં સંક્રમણના સ્ત્રોતની ખબર નહોતી પડી પણ માણસોની જેમ જાનવરોમાં પણ ડેલ્ટા વેરિયંટ ઝડપથી ફેલાતો હોવાની પુષ્ટિ થઈ છે.

લોકડાઉનના કારણે ચીડીયાઘર બંધ હોવાથી સંક્રમણ સ્ત્રોતની તો ખબર નથી પડી એટલું જરૂર જાણવા મળ્યુ કે નવમાંથી સાત સિંહ ચિડીયાઘર સફારી સાથે જોડાયેલા છે. તેમનો આશ્રય, ભોજન સ્થળ, જળસ્ત્રોત વગેરે એક જ હતો. જ્યારે અન્ય બે સિંહો અલગ સ્થળના હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે માણસોની જેમ સિંહ પણ એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. આ વાત દેશના બાકીના ચિડીયાઘરો માટે અત્યંત ગંભીર છે.

(10:39 am IST)