Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

લાખો કરોડો લોકોના દિલમાં હજુ રાજ કરનાર

દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે

મુંબઇ, તા.૭: બોલીવુડને આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા દિગ્ગજ અભિનેતાએ ૭ જુલાઈના રોજ દેહ ત્યાગ કર્યો. આ સાથે જ બોલીવુડમાં શોકના માહોલની લાગણી પ્રસરી ગઈ. બુધવારની સવાર દિલીપ કુમારના ચાહકો માટે રાત બનીને આવી.

દિગ્ગજ અભિનેતા અને લાખો કરોડો લોકોના દિલમાં હજુ રાજ કરનાર દિલીપ કુમાર આપણી વચ્ચે નથી રહ્યા. ચાલો આજે આપણે તેમની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતોને યાદ કરીને તેમને શ્રદ્ઘાંજલિ પાઠવીએ.

૧. દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું.

૨. તેમના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું. તેઓ ફાળો વેચીને ગુજરાન ચલાવતા હતા. દિલીપ કુમારને ૧૨ ભાઈ-બહેન હતા. મોટા પરિવારના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.

૩. ભારત-પાકના ભાગલા સમયે દિલીપ કુમાર પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા. આવ્યા પછી ન તો ઘર હતું અને ના પૈસા. આ પછી, દિલીપ કુમારે પુણેની આર્મી કલબમાં એક સેન્ડવિચ સ્ટોલ પર કામ શરૂ કર્યું.

૪. આ કામ માટે દિલીપ કુમારને રોજનો ૧ રૂપિયો મળતો હતો. પરંતુ ખુબ મહેનતથી તેઓએ મોટી સિદ્ઘિઓ અને સમૃદ્ઘિ મેળવી.

૫. દિલીપ સાહેબ એકવાર નૈનીતાલ ગયા હતા. ત્યાં તેમની મુલાકાત દેવિકા રાની સાથે થઈ. ભારતીય સિનેમાના ઇતિહાસમાં દેવિકા પહેલી હિરોઇન હતા, જેમણે ઓન-સ્ક્રીન કિસ કરી હતી. દેવિકાએ તેમને સલાહ આપી કે તમારે ફિલ્મોમાં જવું જોઈએ. પરંતુ દિલીપે તેમની વાત અવગણી.

૬. દેવિકાને મળ્યાના કેટલાક સમય બાદ તેઓ મુંબઈ લોકલમાં યાત્રા કરી રહ્યા હતા. ત્યાં તેમને ડોકટર મસાની મળ્યા. તેમણે પણ એ જ વાત કહી જે દેવિકાએ કહી હતી. અને પછી દિલીપ સાહેબ પહોંચી ગયા દેવિકાના સ્ટુડીઓ પર. ત્યાં તેમને ૧૨૫૦ રૂપિયા પગારની નોકરી મળી ગઈ,

૭. આ દિલીપ સાહેબની ફિલ્મી કારકિર્દીની સફરની શરૂઆત હતી. ત્યારે તેમનું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું. પરંતુ દેવિકાને આ નામ હીરો લાયક નહોંતુ લાગતું. તેથી અન્ય નામ માટે આજુબાજુ રહેલા લેખકો પાસે સલાહ માંગી.

૮. ૧૯૪૪માં યુસુફથી દિલીપ બનેલા આ અભિનેતાની ફિલ્મ 'જવાર ભાટા' રિલીઝ થઈ. પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. દિલીપકુમારની બીજી ફિલ્મ પ્રતિમા (૧૯૪૫) હતી. તે પણ ખાસ કમાણી કરી શકી નહીં. આ બાદ આવી ફિલ્મ 'મિલન'. ૧૯૪૬ માં દિગ્દર્શક નીતિન બોઝની આ ફિલ્મે દિલીપ કુમારના નસીબ બદલી દીધા. ફિલ્મ સુપર હિટ રહી.

૯. આ પછી દિલીપ કુમારે 'જુગ્નૂ', 'શહીદ', 'અંદાઝ', 'જોગન', 'દાગ', 'આન', 'દેવદાસ', 'નયા દૌર'અને 'મુગલ-એ-આઝમ'જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી. ૨૫ વર્ષની ઉંમરે તેઓ દેશના નંબર વન અભિનેતા બન્યા.

૧૦- દિલીપ સાહેબને ૮ ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, આ સિવાય ૧૯ વખત તેઓ ફિલ્મફેયરના નોમિનેશનમાં આવ્યા. દિલીપકુમારને દાદા ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ એવોર્ડ અને સર્વોચ્ચ સન્માન પણ મળ્યું હતું. આ સિવાય તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું હતું.

(10:38 am IST)