Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી : વેપારીઓને ત્યાં માલનો ભરાવો

૩૦૦ રૂપિયાનું સેનીટાઇઝર તેઓ ૧૦૦ રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી

નવી દિલ્હી,તા. ૭ : કોરોનાના કારણે અનેક વેપારીઓએ મંદી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા કોવિડને લગતી ચીજવસ્તુઓના વેચાણમાં ૯૦ ટકાનો ઘટાડો આવ્યો છે. હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની આશંકાઓ પણ નિષ્ણાત ઓ વ્યકત કરી રહ્યા છે તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ ઘટ્યું છે

 અમદાવાદના વિરાટ નગરમાં PPE કીટ મેન્યુફેકચરિંગનો બિઝનસ કરતા આ છે પિન્ટુભાઈ. આમ તો તેઓ વર્ષોથી ગારમેન્ટ મેન્યુફેકચરિંગ ના ધંધા સાથે સંકળાયેલા છે. પણ જયારથી કોરોના શરૂ થતાં બે વર્ષથી PPE કીટના મેન્યુફેકચરિંગ તરફ વળ્યા હતા.

 જોકે, કોરોનાની બીજી લહેરમાં ઘણા ડોકટર્સ પણ વોર્ડમાં PPE કીટ વગર ફરતા હતા. તો હેર સલૂન ચલાવતા વેપારીઓ એ પણ PPE કિટનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે. લોકોમાં જાગૃતિના અભાવે તેઓના PPE કિટના વેચાણમાં ઘટાડો થયો છે. અને હવે ૯૦ ટકા વેચાણ બંધ થતાં ૩થી સાડા ત્રણ લાખના માલનો ભરાવો થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયેલી PPE કીટના માલનો ભરાવો થઈ ગયો છે

 તો આવી જ કંઈક હાલત નિકોલમાં હોલસેલ બિઝનેઝ કરતા અરુણભાઈ ગોહિલની છે. તેઓને ત્યાં પણ PPE કીટ, માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્સ, ઓકિસમીટર સહિતની ચીજવસ્તુઓના માલનો ભરાવો થઈ ગયો છે. ૩૦૦ રૂપિયાનું સેનીટાઇઝર તેઓ ૧૦૦ રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં  ૩ લાખ ફ૯૫ માસ્ક, ૬ લાખ ટ્રિપલ લેયર માસ્ક, ૧૨ હજાર ઓકિસમીટર, ૩૦૦ નંગ સેનિટાઈઝરના કેરબા સહિત ૧૫ લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે કે, અમદાવાદમાં ૫૦૦ વધુ હોલસેલના વેપારીઓની આ હાલત છે

મહત્વનું છે કે, કોરોનાના કારણે આમ તો અનેક વેપારીઓના ધંધાને બ્રેક વાગી છે પણ કોરોના મહામારી સાથે સંકળાયેલ વસ્તુઓનું વેચાણ પણ એટલી હદે બંધ થઈ જશે તેવું વેપારીઓએ સપને પણ નહતું વિચાર્યું.

(10:32 am IST)