Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પત્નિ આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી, મદદ ન મળી

કોરોનાના ડરે માનવતા ભૂલાઈ : કર્ણાટકની ઘટના : કોરોના ન હોવા છતાં વૃધ્ધના અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ ન આવ્યું : તંત્ર મદદે પહોંચ્યું

હસન તા. ૦૭ : કોરોના વાયરસનો ભય જનતામાં હદ ફેલાઈ ગયો છે કે એકબીજાની મદદ કરતા પણ લોકોને એક વખત વિચારવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવો એક કરૂણ કિસ્સો કર્ણાટકના હસન નામના શહેરમાં જોવા મળ્યો છે. અહીં એક વૃદ્ધ મહિલાના પતિનું મોત થયું, પતિને કોરોના વાયરસની અસર નહોતી તેમ છતાં કોઈપણ સંબંધી આવા કઠિન સમયમાં વૃદ્ધ મહિલાની મદદે આવ્યા નહીં. વૃદ્ધ મહિલા આખી રાત પતિના શબ પાસે બેસી રહ્યા અને મદદ માટે રાહ જોતા રહ્યા. વૃદ્ધ દંપતિને કોઈ સંતાન નથી, પતિનું મોત થયું તો કોરોના વાયરસના ચેપના ડરથી સંબંધી અથવા પાડોશી એમ કોઈ મદદે આવ્યું નહીંં. પત્ની આખી રાત પતિના શબ સાથે બેસી રહ્યા અને રાહ જોઈ કે ક્યાંક કોઈ મદદ આવે.

            જ્યારે ત્યાંના વહીવટીતંત્રને વાતની જાણ થઈ ત્યારે તેઓ વૃદ્ધ મહિલાની મદદે આવ્યા, અને અંતિમ વિધિઓ માટે મદદ કરી. ત્યાંના ઉચ્ચ અધિકારીએ વિશે વાત કરતા જણાવ્યું કે અમારી ટીમના સભ્યો રવિવારે સવારે જ્યારે મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં મહિલા સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી. મહિલાએ જણાવ્યું કે મારા પતિના મોત બાદ મેં મદદ માટે સંબંધીઓ અને પાડોશીનો સંપર્ક કર્યો પણ કોરોના વાયરસના ચેપના ડરથી કોઈ મદદે આવ્યું નહીંં. મહિલાના પતિના મોત પાછળ કોરોના વાયરસ જવાબદાર નથી. અમે મહિલાને હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે.

(7:37 pm IST)