Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મંત્રાલયે ક્યાંય ગલવાન ખીણની સ્થિતિનો ઉલ્લેખ નથી કર્યો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતાએ લદ્દાખ સરહદે થયેલા વિવાદને લઈને સવાલો પૂછ્યા : ચીનના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં ગલવાન વેલીનો ઉલ્લેખ કર્યો છે પણ ભારતના વિદેશ મંત્રાલયે ક્યાંય ઉલ્લેખ કર્યો ન હોવાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આક્ષેપ

નવી દિલ્હી, તા. : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદની સ્થિતિ અંગે ચીને ગલવાન નદી નજીકથી લશ્કર પરત ખેંચવાની વાત કરી છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સરકારને ત્રણ વેધક પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસના નેતાઓ ટ્વિટર પર સરકારને સવાલ કર્યા હતા કે, દિલ્હીની કેન્દ્ર સરકારે શા માટે સ્થિતિ યથાવત્ હોવાનો આગ્રહ ના કરાયો અને તેમના નિવેદનમાં ક્યાંય ગલવાન વેલીનો ઉલ્લેખ પણ કરાયો નથી. દેશનું હિત સૌથી ટોચની પ્રાથમિકતા છે. રાષ્ટ્ર હિતની રક્ષા કરવી તે સરકારની જવાબદારી રહે છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ દેશના લશ્કરના શહીદ જવાનોના મુદ્દે પણ સરકારને ઘેરતા જણાવ્યું કે, જો બધું બરાબર હતું તો સરકારે શા માટે તે વાત જણાવી  નહીં અને આપણા દેશના બહાદુર જવાનો શા માટે આપણી ધરતી પર શહીદ થયા? વિદેશ મંત્રાલયના નિવેદનમાં શા માટે ગલવાન વેલીના પ્રાદેશિક સાર્વભૌમત્વનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહતો.

            ચીન પર શા માટે યથાસ્થિત પૂર્વરત કરવા દબાણ ના કરાયું. ઉલ્લેખીય છે કે રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ત્યારબાદ બન્ને દેશો દ્વારા જાહેર કરાયેલા નિવેદનને ટાંકીને રાહુલ ગાંધીએ વેધક સવાલો કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પીપુલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં ગલવાન વેલીનો ઉલ્લેખ કર્યો છે જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે ક્યાંય તેનો ઉલ્લેખ કર્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, 'ભારત-ચીન વચ્ચે તાજેતરમાં પશ્ચીમ બાજુની સરહદ પર ગલવાન વેલીમાં જે કંઈ ખરું-ખોટું થયું તે સ્પષ્ટ છે.

          ચીન પોતાની પ્રાદેશિક અખંડિતતા તેમજ સરહદ પર શાંતિ અને સુલેહની નિશ્ચિતપણે સુરક્ષા કરવાનુ ચાલુ રાખશે.લ્લ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને ચીનના મંત્રી વાંગ વચ્ચે બન્ને દેશો દ્વારા સરહદ પર શાંતિ સ્થાપવા અને લશ્કરને પરત ખેંચવા માટે સહમતિ સધાઈ હતી. બન્ને રાષ્ટ્રો મતભેદને વિવાદનું કારણ બનાવવાનું ટાળવા માટે સહયોગ કરવા સહમત થયા હતા. ચીનના લશ્કર દ્વારા સોમવારે ગલવાન વેલી ખાતેથી પોતાના તંબૂઓ હટાવવાની ગતિવિધિ પણ હાથ ધરાઈ હતી. ૧૫ જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન વેલી ખાતે હિંસક અથડામણ થઈ હતી જેમાં ચીનના સૈનિકોએ લાકડીઓ અને સળિયા વડે ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના પણ કેટલાક જવાનોના મૃત્યુ થયા હતા.

(7:31 pm IST)