Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી હોમલોન લેનાર લાખો ગ્રાહકોની હાલત લોકડાઉનને કારણે કફોડી

નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની ઘટેલા વ્યાજદરનો લાભ આપતી ન હોવાની રાવ

મુંબઇ, તા.૭: લોકડાઉનને કારણે ધંધા-રોજગાર પર વિપરીત અસર પડી છે તેથી, ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી હોમલોન સહિતની લોન લેનાર ગ્રાહકોની હાલત કફોડી થઇ છે. નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વ્યાજદર ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં આવતો નથી. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાની એનબીએફસી લોન સરકારી બેંકોમાં ટ્રાન્સફર થતી ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

ત્રણ માસ લાંબા લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી, છતા એનબીએફસી કંપનીઓ દ્વારા લોનના હપ્તા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. લોકડાઉન દરમિયાન આરબીઆઇ દ્વારા રેપો રેટમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હતો. લોન વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેશ જાદવે જણાવ્યું કે હાલમાં હોમલોન પર વ્યાજના દર ૭ થી ૮ ટકા છે. જયારે એનબીએફસી કંપનીઓ ૧૧ થી ૧૪ ટકા વ્યાજની વસૂલી કરે છે. ઘટેલા વ્યાજદરનો લાભ ફાઇનાન્સ કંપની ગ્રાહકોને આપતી નથી. ત્રણ માસ સુધી હપ્તા ન ભરનાર ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ઘિ વ્યાજની વસૂલી કરવામાં આવે છે. કંપનીના માણસો ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરીને ગ્રાહકને અપશબ્દો બોલે છે.

સૌથી કફોડી હાલત પ્રધામંત્રી આવાસ યોજનામાં આવસ લેનાર મધ્યમ વર્ગીય પરિવારની થઇ છે. ભાવેશભાઇ લાલજીભાઇ વિરાણીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ એનબીએફસીમાંથી રૂ.પાંચ લાખની લોન પર લીધો હતો. માસિક રૂ.૫૧૨૭ ના ૨૨૯ હપ્તા હતા. હાલમાં લોકડાઉનમાં તેને હપ્તા માટે સતત કોલ આવતા હતાં તેથી, તેણે ત્રણ માસના હપ્તા બંધ કરાવવા કંપનીમાં અરજી કરી હતી. ત્રણ માસ હપ્તા મોરિટોરિયમ કરવાથી હપ્તા વધીને ૨૪૮ થયા હતાં. ૨૯ હપ્તા વધી જતા રૂ.૯૭૪૧૩ વધુ ભરવાની નોબત આવી છે. કંપનીઓ વ્યાજદર દ્યટાડવા માટે એડમિનિટ્રેશન ફીના નામે રૂ.૪૪૨૫ ની વસૂલી કરી હતી.

મનપા-સુડાના એમઓયુથી ગ્રાહકોને નુકસાન

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સુડા અને મનપા દ્વારા શરૂઆતમાં એનબીએફસી સાથે ઓમઓયુ કરવામાં આવ્યા હતાં. મોટાભાગના ફ્લેટધારકો મનપામાં હપ્તો ન ભરવાથી ફાળવણી રદ થવાની બીકે એનબીએફસીમાં લોન કરાવી હતી તેથી, તેને ઘટેલા વ્યાજદરનો ફાયદો મળ્યો નથી. બાદમાં સરકારી બંેકો સાથે એમઓયુ થતા જુજ ગ્રાહકોની લોન બેંકમાં મંજૂર થઇ હતી.

ધર્મેશ જાદવે જણાવ્યું કે એનબીએફસી દ્વારા ગ્રાહકોને બેફામ લૂંટવામાં આવે છે. લોકડાઉનને કારણે કંટાળેલા લોકો હોમલોન ટ્રાન્સફર કરવા બેંકોના ધક્કા ખાય છે. પરંતુ, કોઇ બેંક લોન ટ્રાન્સફર કરવા તૈયાર નથી.

ભાવેશ વિરાણીએ લોન લીધી ત્યારે તેની હોમલોન પર ૮.૭૦ ટકા વ્યાજ વસૂલાતંુ હતું, પરંતુ, હાલમાં તેવી હોમલોન પર ૧૦ ટકા વ્યાજની વસૂલી કરવામાં આવી છે. આરબીઆઇ દ્વારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવ્યો છતાં વ્યાજના દર ઘટવાને બદલે વધી ગયો છે.

સુરતના સંસદ દર્શના જરદોશે જણાવ્યું કે આરબીઆઇ દ્વારા વ્યાજદર ઘટાડાનો લાભ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મળવો જોઇએ તેથી, હોમલોન સરકારી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે અમે રજૂઆત કરીશું.

(11:45 am IST)