Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાહુલ ગાંધીનો ટોણો

કોરોના, GST, નોટબંધીઃ મોદી સરકારની નિષ્ફળતા હાવર્ડમાં ભણાવાશે

નવી દિલ્હી,તા.૭: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોરોનાને પહોંચી વળવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. આવી સ્થિતિમાં સરકારની આ નિષ્ફળતાઓને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણાવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતી વેળાએ રાહુલ ગાંધીએ મોદીનો જ એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં મોદી કહી રહ્યા છે કે મહાભારત સામેનું યુદ્ઘ ૧૮ દિવસમાં જીતાયું હતું જયારે કોરોના સામેનું યુદ્ઘ માત્ર ૨૧ દિવસમાં જીતી લઇશું.

આ સાથે જ રાહુલ ગાંધીએ ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેનો એક ગ્રાફ પણ શેર કર્યો હતો, જેમાં ભારત વિશ્વમાં કોરોનાના કેસોને લઇને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે તે દર્શાવે છે.

સાથે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ભવિષ્યમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં નિષ્ફળતાઓ પર વિશેષ કેસ સ્ટડીને ભણાવવામાં આવશે જેમાં ૧ નંબર પર કોરોના, બીજા ક્રમે નોટબંધી, ત્રીજા ક્રમે જીએસટીનું અમલીકરણ હશે.

રાહુલ ગાંધીએ આ પ્રહાર એવા સમયે કર્યો હતો જયારે ભારત કોરોના વાઇરસના કેસોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું અને રશિયાને પણ પાછળ રાખી દીધુ હતું, માત્ર અમેરિકા અને બ્રાઝિલમાં જ કોરોનાના સૌથી વધુ કેસો ભારત પછી છે.

બીજી તરફ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી ડિફેન્સ માટેની સ્ટેન્ડિંગ કમિટીમાં હાજર નહોતા રહ્યા.

બીજી તરફ અતી શરમજનક કહેવાય કે તેઓ આપણા દેશના જવાનોનું મોરલ તોડી રહ્યા છે. એક જવાબદાર વિપક્ષના નેતા તરીકે રાહુલને આ શોભતું નથી. જયારે ભાજપના જ અન્ય એક પ્રવકતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે રાહુલ ગાંધી ડીફેન્સ કમીટીઓની આશરે ૧૧ જેટલી બેઠકોમાં હાજર નથી રહ્યા.

(11:44 am IST)