Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઓનલાઇન કલાસવાળા છાત્રોનાં વીઝા પરત લેશે અમેરિકા

ભારતીય છાત્રોને લાગશે જોરદાર આંચકો : અમેરિકાથી ઘરે પરત ફરવું પડે તેવા સંજોગો : કોરોના મહામારીને કારણે લીધો નિર્ણય : અમેરિકામાં ૨ લાખ ભારતીય છાત્ર સહિત કુલ ૧૧ લાખ વિદેશી છાત્રો પાસે સક્રિય છાત્ર વિઝા છે

વોશિંગ્ટન તા. ૭ : કોરોના સંકટ વચ્ચે કુવૈતમાં રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાની ચર્ચા વચ્ચે હવે અમેરિકા તરફથી પણ એક માઠા સમાચાર આવ્યા છે. એચ૧બી વિઝા પર પ્રતિબંધ લાગુ કરનાર અમેરિકાએ હવે સ્ટુડન્ટ વિઝાને લઇને એક મોટો નિર્ણય લીધો છે. આ ફેંસલા અંતર્ગત અમેરિકાએ વિદેશી છાત્રો માટે સ્ટુડન્ટ વિઝા પરત લેવાની જાહેરાત કરી છે. આ એવા છાત્રો છે જેમના વર્ગો ઓનલાઇન ચાલે છે જે વિદેશી છાત્રોના કલાસ માત્ર ઓનલાઇન ચાલતા હોય તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહિ આવે આનો અર્થ એ છે કે અમેરિકામાંથી મોટી સંખ્યામાં ભારતીય છાત્રોને પાછા મોકલી દેવાશે.

કોરોના સંકટને કારણે આ નિર્ણય લેવાયો છે. અત્રે એ નોંધનીય છે કે ૧૧ લાખથી વધુ છાત્રો પાસે સંયુકત રાજ્ય અમેરિકાના સ્ટુડન્ટ વીઝા છે. ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સીએ કહ્યું છે કે એવા છાત્રો જેમની સ્કુલ - કોલેજ ઓનલાઇન ચાલતા હોય તેમણે તત્કાલ અમેરિકા છોડવું પડશે. સાથોસાથ સ્ટુડન્ટ વીઝા પર આવા છાત્રોને પ્રવેશ પણ નહિ અપાય.

એજન્સીનું કહેવું છે કે જો છાત્રો નવા નિયમોનો ભંગ કરતા જણાશે તો તેમને તેમના દેશ મોકલી દેવાશે. અત્રે એ નોંધનીય છે કે અમેરિકાની ટોચની યુનિ.ઓએ કોરોનાને કારણે પોતાના કલાસ સંપૂર્ણ રીતે ઓનલાઇન કર્યા હતા. હજુ એ સ્પષ્ટ નથી કે નવી પ્રવાસન નીતિથી કેટલા છાત્રોને અસર થશે. હાર્વર્ડ યુનિ.એ પણ કલાસ ઓનલાઇન કર્યા હતા. આ નવા એલાનથી છાત્રો ચિંતીત બન્યા છે.

ભારતીય છાત્રો માટે અમેરિકા પસંદગીનું છે. ૨૦૧૮-૧૯માં ૨.૦૨ લાખ વિદ્યાર્થીઓ હતા. ભારતનો નંબર ચીન પછી બીજો છે. અમેરિકી તંત્રના નિર્ણયથી હજારો ભારતીય છાત્રોને અસર થશે. વિદેશી છાત્રો યુનિ.માં, ટ્રેનીંગ પ્રોગ્રામમાં અને નોન એકેટમિક - વોકેશનલ પ્રોગ્રામ્સમાં પણ અભ્યાસ કરતા હોય છે.

ઇમીગ્રેશને વિભાગે કહ્યું છે કે કેટલાક ખાસ સ્ટુડન્ટ વીઝાવાળા છાત્રોને ઓનલાઇન કલાસીસ શરૂ થયા બાદ અમેરિકામાં રહેવાની જરૂર નથી. તેઓને અમેરિકા હરેક સેમેસ્ટરના વિઝા નહિ આપે અને તેમણે ઘરે પાછા ફરવું પડશે. હાલ અમેરિકાની મોટાભાગની યુનિ.માં ઓનલાઇન અને ઇન પર્સન મિકસ કોર્સ ચાલે છે અને અભ્યાસની જરૂર પ્રમાણે છાત્ર પાસે ઓનલાઇન કે પછી કેમ્પસ જવાનો વિકલ્પ મોજુદ છે.

(11:43 am IST)