Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સિવિલમાં ૧૨ કલાકમાં કોરોના પાંચને ભરખી ગયો

રાજકોટ કોઠારીયા રોડ દિપ્તીનગરના અમરબેન હુંબલ, દૂધ સાગર રોડના રતનબેન દવે, ધ્રાંગધ્રાના બેન્ડવાજાવાળા અનવરભાઇ અને કોટડાસાંગાણી નાના માંડવાના ધનજીભાઇ પટેલનું મોતઃ આહિર વૃધ્ધાએ મોડી રાતે અને અન્ય ત્રણ દર્દીએ વહેલી સવારે દમ તોડ્યોઃ ચારેયની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમવિધીઃ શહેરના ૧૨ અને જીલ્લાના ૬

રાજકોટ તા. ૭: રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં રાત્રીથી એકથી બપોરના એક સુધીમાં બાર કલાકમાં કોરોના પોઝિટિવ પાંચ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં  કોવિડ-૧૯માં ફફડાટ ફેલાઇ ગયો છે. મોડી રાત્રે રાજકોટ કોઠારીયા રોડ દિપ્તીનગરના આહિર વૃધ્ધાનું મોત નિપજ્યા પછી આજે વહેલી સવારે વધુ ત્રણ દર્દી સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મુસ્લિમ પ્રોૈઢ તથા કોટડા સાંગાણીના નાના માંડવા ગામના પટેલ વૃધ્ધ તેમજ રાજકોટના દૂધ સાગર રોડ પર રહેતાં બ્રાહ્મણ વૃધ્ધાના મોત નિપજતાં સિવિલ હોસ્પિટલ ખાતેથી જ અંતિમવિધી કરવામાં આવી હતી. દરમિયાન બપોરે એકાદ વાગ્યે વધુ એક દર્દીએ દમ તોડી દીધો હતો. આમ બાર કલાકમાં પાંચના મોત નિપજ્યા છે. આરોગ્ય કમિશનરની મુલાકાત ટાણે જ એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા રોડ દિપ્તીનગરમાં રહેતાં અમરબેન ઘુસાભાઇ હુંબલ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોઇ કોવિડ-૧૯માં સારવાર હેઠળ હતાં. તેમનું રાત્રીના એકાદ વાગ્યે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાત્રીના ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને અંતિમવિધી માટે કોવિડ-૧૯ હોસ્પિટલથી રામનાથપરા પહોંચાડ્યો હતો.

વધુ બે મૃત્યુ આજે સવારે નોંધાયા હતાં. ધ્રાંગધ્રા રહેતાં અને બેન્ડવાજા વગાડવાનું કામ કરતાં અનવરભાઇ અલુભાઇ ભવાયા (મુસ્લિમ) (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢને શરદી-તાવ-ઉધરસ થતાં ૨૮મીએ ધ્રાંગધ્રામાં દવા સારવાર કરાવી હતી. ન્યુમોનિયાની અસર હોવાનું કહેવાયું હતું. વધુ તબિયત બગડતાં ૨૯મીએ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ કોવિડ-૧૯માં રિપોર્ટ થતાં ૩૦મીએ પોઝિટિવ જાહેર થતાં સારવાર ચાલુ હતી. દરમિયાન આજે સવારે તેણે દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર અનવરભાઇ ચાર ભાઇ અને છ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે બેન્ડવાજા વગાડવાનું કામ કરતાં હતાં. પણ લોકડાઉન થયું ત્યારથી ઘરમાં જ હતાં. કોરોના કેવી રીતે લાગુ પડ્યો? તે અંગે પરિવારજનો જાણતા નથી.

આ ઉપરાંત કોટડા સાંગાણીના નાના માંડવા ગામના ધનજીભાઇ અરજણભાઇ વેકરીયા (ઉ.વ.૭૪) નામના પટેલ વૃધ્ધનું સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ વિભાગમાં સવારે મૃત્યુ નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. ધનજીભાઇ બિમાર પડતાં ૨૮મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં કોરોના હોવાની શંકાએ દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર હેઠળ હતાં. પણ આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો.

તેમજ દૂધ સાગર રોડ પર રહેતાં રતનબેન શિવલાલભાઇ દવે (ઉ.વ.૫૯)નું પણ સવારે કોરોના હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ ઉપરાંત બપોરે ૬૫ વર્ષના હાજીભાઇ નામના દર્દીએ પણ દમ તોડી દીધો હતો. પાંચેય મૃતદેહોની અંતિમવિધી રાજકોટ સિવિલ હોસ્પિટલથી કરવામાં આવી હતી. આ મૃત્યુ સાથે રાજકોટ શહેરમાં ૧૨ અને જીલ્લામાં ૬ મૃત્યુ થયા છે.

(3:12 pm IST)