Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

શિકાગોમાં ફાયરિંગમાં બાળકી સહિત ૧૩ના મોતઃ૫૯ ઘાયલ

મધ્ય રાત્રીના થોડા સમય પહેલાં જ ઇન્ગલેવુડ રોડમાં ભેગા થયેલા ટોળા પર ચાર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો

શિકાગો, તા.૭ :   શિકાગોમાં ફોર્થ ઓફ જુલાઇની પરિવાર દ્વારા કરાઇ રહેલી ઉજવણી દરમિયાન ચાર અજાણ્યા શખ્સોએ આડેધડ ફાયરિંગ કરતાં સાત વર્ષની એક બાળકી સહિત ઓછામાં ઓછા ૧૩ જણા માર્યા ગયા હતા અને ૫૯ જણાને ઇજા થઇ હોવાનું પોલીસે કહ્યું હતું.

શનિવારે મધ્ય રાત્રીના થોડા સમય પહેલાં જ ઇન્ગલેવુડ રોડમાં ભેગા થયેલા ટોળા પર ચાર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો.બે જણા ઘટના સ્થળે જ માર્યા ગયા હતા.

પોલીસ અધિકારી ટોમ અહરમના જણાવ્યા અનુસાર, ૧૪ વર્ષના એક કિશોર સહિત બે જણા હાસ્પિટલમાં ગુજરી ગયા હતા. અન્ય ચાર જણા ઘાયલ થયા હતા જેમાં એકની હાલત ગંભીર હતી તેમજ અન્ય ત્રણને સામાન્ય ઇજા થઇ હતી.ગોળીબાર કર્યા પછી ચારે જણા ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. કોઇની ધરપકડ કરાઇ નહતી.

ઓસ્ટીન વિસ્તારમાં ફાયરિંગનો ભોગ બનેલી સાત વર્ષની બાળકી એની દાદીના ઘરમાં બાજુ એ ઊભી હતી ત્યારે એક ગોળી તેને વાગતા ઘટના સ્થળે જ મૃત્ય પામી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ચારે હુમલાખોરો એક કારમાંથી ઉતર્યા હતા અને આડેધડ ફાયરિંગ કર્યું હતું. આજે રાત્રે ઓસ્ટીનમાં બનેલી ફાયરિંગની ઘટનામાં સાત વર્ષની એક બાળકીનો પણ ભોગ લેવાયો હતો.

બંદુકની ગોળીથી જેમના સપના અધુરા રહી ગયા હતા તેવા તરૂણોમાં આ બાળકીનો પણ સમાવેશ થયો હતો. એક છાપાના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં માર્યા ગયેલાઓમાં સાત સગીર હતા. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ કારમાં બેઠેલી એક મહિલા અચાનક કયાંથી આવેલી ગોળીનો ભોગ બની હતી.

(10:15 am IST)