Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સમય પૂર્વે લોકસભાની સાથે જ ત્રણ રાજયોમાં ચૂંટણી

હરિયાણા-ઝારખંડ-મહારાષ્‍ટ્રમાં વ્‍હેલી ચૂંટણી યોજવા ભાજપનું હાઇકમાન્‍ડ વિચારી રહયું છે

નવી દિલ્‍હી તા.૭: હરિયાણા, ઝારખંડ અને મહારાષ્‍ટ્રમાં વિધાન સભાની ચૂંટણી મુદ્દત પુરી થયા પહેલા લોકસભા ચૂંટણી સાથે જ થઇ શકે છે. આ રાજયોમાં ફરીથી મોદી મેજીકના સહારે સત્તા હાંસલ કરવાની રણનીતિ પર ભાજપમાં ઉચ્‍ચસ્‍તરે મંત્રણાઓ ચાલી રહી છે.

આ કારણે જ પાર્ટી હાઇ કમાન્‍ડે હરિયાણા સરકાર અને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના પર બ્રેક લગાવી છે. આ ત્રણે રાજયોમાં ભાજપા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. આ રાજયોમાં ૨૦૧૪ન લોકસભા ચૂંટણીના એક વર્ષ પછી ચૂંટણીઓ થઇ હતી.

પાર્ટીના સૂત્રો પ્રમાણે આ રાજયોમાં લોકસભાની સાથે ચૂંટણી કરવાનો વિકલ્‍પ મજબૂત છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ રાજયોમાં મોદી મેજીકના કારણે જ જીત મળી હતી. હાલમાં આ રાજયોમાં પાર્ટી સામે અલગ-અલગ પડકારો ઉભા થયા છે. ઝારખંડમાં કોંગ્રેસ, ઝારખંડ મુકિત મોરચા અને રાષ્‍ટ્રિય જનતા દળ એક મંચ પર ભેગા થઇ રહયા છે.

મહારાષ્‍ટ્રમાં શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. હરિયાણામાં પાર્ટી માટે સારા સમાચાર નથી મળી રહયા. આ બધા કારણોને લીધે પક્ષના નેતાઓ રાજયોમાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી કરવાના વિકલ્‍પ પર વિચારી રહયા છે. હરિયાણામાં તો રાજય સંગઠન અને સરકાર વિરૂધ્‍ધની ફરીયાદોનો ઢગલો ભેગો થયો છે. બધી બેઠકોમાં કાર્યકર્તાઓ નારાજ હોવાની અને સરકાર અને સંગઠનમાં મતભેદ હોવાની વાતો સામે આવી રહી છે.

પક્ષના હાઇકમાન્‍ડે હરિયાણામાં સંગઠ અને સરકારમાં મોટા ફેરફારની યોજના ઘડી હતી પણ લોકસભાની ચૂંટણી સાથે જ રાજયની ચૂંટણીના વિચારને લીધે તેનું પોટલું વાળી દેવાયું છે. પક્ષની રણનીતિ ધડતા લોકોનું માનવું છે કે સાથે ચૂંટણી કરવાથી આખો ચૂંટણી પ્રચાર ‘‘મોદી વિરૂધ્‍ધ અન્‍ય'' આ મુદ્દે ચાલશે અને તેનો લાભ પક્ષને મળશે.''

(12:44 pm IST)