Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સ્ટોક હોવા છતાં સર્જાઇ શકે છે મીઠાની અછત

ગાંધીધામમાં મીઠાનો ૮ લાખ ટન જેટલો જંગી જથ્થો બન્યો છે 'ઘરજમાઇ' : મીઠું મોકલવા માટે ગુડઝ ટ્રેન ઉપલબ્ધ નથી : ખાતરને અપાય છે પ્રાધાન્ય : દેશનું ૭૦ ટકા મીઠું પાકે છે ગુજરાતમાં

મુંબઇ તા. ૭ : દેશભરના કેટલાક ભાગોમાં મીઠાંની અછત જોવા મળી રહી છે. ગુજરાતમાં મીઠાંની કુલ ૨૦ રિફાઈનરીઓમાંથી ૧૪ રિફાઈનરી ગાંધીધામમાં આવેલી છે. અહીંની રિફાઈનરીઓમાં મીઠાંનો જથ્થો વિશાળ પ્રમાણમાં એકઠો થઈ ગયો છે છતાં તેને ટ્રાન્સપોર્ટ કરી શકાય તેમ નથી. જેનું મુખ્ય કારણ મુન્દ્રા, કંડલા અને ટુના પોર્ટમાં ફર્ટિલાઈઝર વહન કરવાને પ્રાથમિકતા આપવામાં આવતાં મીઠું ટ્રાન્સપોર્ટ કરવા માટે પૂરતા ટ્રેન રેક ઉપલબ્ધ નથી રહ્યા.

આ પોર્ટ પર અંદાજીત ૧૭ લાખ ટન ફર્ટિલાઈઝર પડ્યું છે અને વાવણીની સિઝન નજીક હોવાથી તેને એકઠું કરીને સાફ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગાંધીધામના મીઠાંના મેન્યુફેકચરરમાંથી મોટા ભાગના બ્રાન્ડેડ રિફાઈન મીઠું વેચી રહ્યા છે જેમણે ચિરાઈ સ્ટેશને ૩૦૦ ટ્રેન રેકની માગણી કરી છે, આ સ્ટેશનની આજુબાજુમાં કેટલાય નાના-નાના એકમો આવેલાં છે.

ગુજરાત સલ્ટ રિફાઈનરી એસોસિએશના પ્રમુખ બચુભાઈ આહિરે કહ્યું કે 'અમારે દરરોજ ઓછામાં ઓછા ૫ રેકની જરૂર છે પણ અમને માત્ર ૨-૩ રેક જ મળી રહ્યા છે જેને કારણે એકમોમાં મીઠાંને ઠાંસી ઠાંસીને ભરવું પડી રહ્યું છે.' ખારાઘોડા, હળવદ અને સંતલપુર સહિતના વિસ્તારોમાં પણ ટ્રેન રેકની જરૂર છે. અહીંથી મીઠાંને ૧ કિલોના પેકેટમાં પેકિંગ કરી તેને ઉત્ત્।ર-પૂર્વ રાજયો સહિત દેશભરમાં મોકલવામાં આવે છે.

ગાંધીધામથી રેલવેના બે પ્રકારના રેક ચાલી રહ્યા છે. ૪૨-વેગન રેકસ મીઠાંના ૨૬૦૦ ટન જથ્થાને લઈ જવાની ક્ષમતા ધરાવે છે જયારે ૫૮-વેગન રેક ૪૦૦૦ ટન જથ્થાને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેન રેક ઉપલબ્ધ ન હોવાના કારણે કેટલાક એકમો મીઠાંને એકસપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તો કેટલાક એકમોએ મીઠાંનું ઉત્પાદન ઘટાડી દીધું છે. બચુભાઈ આહિરે કહ્યું કે, 'જો આ સ્થિતિ યથાવત રહી તો દેશભરમાં મીઠાંની અછત સર્જાશે.'

વેસ્ટર્ન રેલવમાં ગાંધીધામ વિસ્તારના મેનેજર અદિશ પઠાનિયાએ કહ્યું કે, 'આ વર્ષે ફર્ટિલાઈઝરની માગણી વધારે હોવાના કારણે મીઠાંના ટ્રાન્સપોર્ટ માટે પૂરતા રેક ફાળવવામાં આવ્યા નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૮-૧૦ ટકા ઓછા રેક ફાળવવામાં આવ્યા છે. અત્યારે વાવણીની સિઝન છે અને IFFCO તથા ત્રણ પોર્ટ અને પર ૧૭ લાખ ટન જેટલું ફર્ટિલાઈઝર એમનમ પડ્યું છે, જેને દેશભરમાં ટ્રાન્સપોર્ટ કરવું જરૂરી છે.'

(10:42 am IST)
  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST