Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

છોકરીઓની ઉંમર ૧૦-૧૪ વર્ષ વચ્ચેની

એક ટ્વિટથી ટ્રેનમાંથી બચાવાઇ ૨૬ છોકરીઓને : બાળ તસ્કરીની આશંકા

નવી દિલ્હી તા. ૭ : ગોરખપુરમાં રાજકીય રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF) દ્વારા મુઝફફરપુર બ્રાંદ્રા અવધ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલી ૨૬ સગીરાને બચાવવમાં આવી છે. આ બાબતે ૫ જુલાઈએ એક મુસાફરે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. યાત્રીએ ટ્વિટ કર્યું હતું કે, 'અવધ એકસપ્રેસના કોચ નંબર S5માં મુસાફરી કરી રહ્યો છે અને અહીં આશરે ૨૫ છોકરી ખૂબ પરેશાન દેખાય છે અને રડી રહી છે.'

આ ટ્વિટ બાદ રેલવે તરત જ હરકતમાં આવ્યું. ટ્વિટરથી સૂચના મળ્યાના અડધા કલાકમાં જ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી. GRPએ ચાઈલ્ડ લાઈન તથા પોલીસના એન્ટી ચાઈલ્ડ ટ્રાફિકિંગ યુનિટની મદદથી તપાસ આગળ વધારી. ટીમને શંકા હતી કે આ મામલો બાળ તસ્કરીનો હોઈ શકે છે. સિવિલ ડ્રેસમાં RPFના બે જવાનોને ટ્રેનમાં મોકલવામાં આવ્યા.

GRPના SPએ જણાવ્યું કે, 'GRP અને RPFની સંયુકત ટીમે બાળ તસ્કરીની શંકાને આધારે ૨૬ સગીરાઓ સાથે ૨ પુરુષોને અવધ એકસપ્રેસમાંથી પકડ્યા છે. આ લોકો ચંપારણ (બિહાર)થી આગરાના ઈદગાહ જતા હતા. આ મામલે તપાસ ચાલુ છે. ટીમોને આગરા અને બિહાર મોકલાઈ છે.' રેલવે પ્રવકતાએ માહિતી આપી કે, જયારે પોલીસની ટીમે છોકરીઓને સવાલ કર્યા ત્યારે તે સંતોષકારક જવાબ ન આપી શકી.

છોકરીઓની ઉંમર ૧૦-૧૪ વર્ષ વચ્ચેની જણાવાઈ રહી છે. હાલ તો છોકરીઓને બાળ કલ્યાણ સમિતિને સોંપી દેવાઈ છે. RPFએ જણાવ્યું કે, છોકરીઓના માતા-પિતાને આ અંગે જાણ કરી દેવાઈ છે.

(10:35 am IST)