Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કેન્‍દ્ર-રાજ્‍યોને ‘ખેડૂત પ્રેમ' પડશે ૨.૭૫ લાખ કરોડમાં

લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્‍દ્ર-રાજ્‍ય સરકારો ખેડૂતોમાં પ્રવર્તતી નારાજગી દૂર કરવા ખોલી નાખશે તિજોરી : દેવામાફી સહિતના લોકલુભાવન પગલાઓ જાહેર કરવા હોડ લાગશેઃ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચનો રિપોર્ટ

મુંબઈ, તા. ૭ : આવતા વર્ષે થનાર લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ગામડાઓ અને ખેડૂતોને લલચાવવા ઘણા પગલા લેશે. જેમાં ખેડૂતોને લોન માફી પણ સામેલ હશે. આના લીધે લગભગ ૨.૭૫ લાખ કરોડનો વધારાનો બોજ પડવાની શકયતા છે. જે કુલ જીડીપીના ૧.૫ ટકા જેટલો હશે.

આ બાબતે અમેરિકાની એક કંપની મેરીલ લીંચે એક રીપોર્ટ બહાર પાડયો છે. કર્ણાટક રાજ્‍ય સરકારે ખેડૂતોની લોન માફી જાહેર કરી તેના એક દિવસ પછી જ આ રીપોર્ટ આવ્‍યો છે. રીપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો ગ્રામ્‍ય વિસ્‍તારોના અસંતોષને શાંત કરવા ઘણા પગલા લેશે.

મહારાષ્‍ટ્ર અને ઉત્તર પ્રદેશની રાજ્‍ય સરકારે પણ થોડા મહિના પહેલા ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી હતી. કેન્‍દ્ર સરકારે પણ ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં મોટો વધારો કરી દીધો છે.

રીપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૨૨ સુધીમાં જો ખેડૂતોની આવક બમણી કરવી હશે તો કેન્‍દ્ર સરકારે મોંઘવારી અને રાજકોષીય ખોટના લક્ષ્ય સુધારવા પડશે. આ ઉપરાંત ખેડૂતોને પાકની પડતર કિંમત કરતા દોઢ ગણી કિંમત નક્કી કરવાની સ્‍વામીનાથન કમિટીની ભલામણો લાગુ કરવા માટે એમ.એચ.પી.ને સતત વધારવાની જરૂર પડશે.

જો કે રીપોર્ટમાં આ પગલાઓના સારા પાસાઓનો પણ ઉલ્લેખ થયેલ છે. જે પ્રમાણે આના લીધે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માગ વધશે. ૧.૫ ટકાની લોન માફીથી ખેડૂતોની આવક ૩ ટકા સુધી વધવાની શકયતા છે. મેરીલ લંચે કહ્યું કે નાણા મંત્રાલયે ચોખવટ કરી છે કે લોન માફી રાજ્‍યોએ પોતાના ખાતામાંથી કરવી પડશે. જો કે બજારોને અસર કર્યા વગર એ શકય બનવાનુ નથી.

કર્ણાટકની રાજ્‍ય સરકારે પેટ્રોલીયમ ઉત્‍પાદનો પર ટેક્ષ વધારીને લોન માફી આપવાનું પસંદ કર્યુ છે. આવતા દિવસોમાં બીજા રાજ્‍યો પણ આ રસ્‍તે જઈ શકે છે. રીપોર્ટમાં કર્ણાટક સરકારે લીધેલ પગલાને સાચુ કહ્યુ હતુ અને આખા દેશમાં તેને લાગુ કરવાનું પણ કહેવાયુ છે.

(4:53 pm IST)