Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ચાલુ ડ્રાઇવિંગે મોબાઇલ પર વાત કરનારાનો ફોન જપ્ત કરી લેવા આદેશ

ઉત્તરાખંડમાં અમલ શરૂ : ૫૦૦૦નો થશે દંડ

નૈનિતાલ તા. ૭ : ઉત્તરાખંડમાં હવેથી જો કોઈ પણ વ્યકિત ચાલુ વાહને ફોન પર વાત કરતું જોવા મળશે તો એક દિવસ માટે પોલીસ તેનો ફોન જપ્ત કરી લેશે. શુક્રવારે નૈનિતાલ હાઈકોર્ટે રાજયમાં રોડ સેફટી અંગેની અરજીની સુનાવણી દરમિયાન ટ્રાન્સપોર્ટ વિભાગને આદેશ આપ્યો છે કે, નિયમ ભંગ કરનારા લોકોનો મોબાઈલ ૨૪ કલાક માટે જપ્ત કરી લેવામાં આવે અને યોગ્ય કારણ સાથે મોબાઈલ જપ્ત કર્યાની રિસિપ્ટ આપવી.

ગયા મહિને જ કોર્ટે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ વાપરનાર સામે લાલ આંખ કરી હતી અને નિયમ તોડનાર વ્યકિતનું ડ્રાઈવિંગ લાઈસન્સ કેન્સલ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરનાર વ્યકિત પોતાનો જીવ જોખમમાં નાખે છે સાથે સાથે અન્ય લોકોની સુરક્ષા પણ જોખમાય છે. જયાં સુધી રાજય સરકાર કોઈ ચોક્કસ દંડ નક્કી ન કરે ત્યાં સુધી કાયદો તોડનાર દરેક વ્યકિત પાસેથી ૫,૦૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

શુક્રવારે જસ્ટીસ રાજીવ શર્માની સિંગલ જજની બેંચે એક મહિનામાં રાજયના રોડની સેફટીનું ઓડિટ કરવા સહિતના નિર્દેશો આપ્યા છે. આ અઠવાડિયે પૌરીગઢવાલના ધુમકોટ વિસ્તારમાં બસ અકસ્માતમાં ૪૮ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અકસ્માત ઓછા કરવા રોડની સ્થિતિ ચકાસવાનો પણ આદેશ આપ્યો છે. ૪ જુલાઈએ બેન્ચે રાજયના ટ્રાંસપોર્ટ વિભાગના સેક્રેટરીને સમન્સ પાઠવ્યું અને રોડ સેફટીની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

શુક્રવારે સેક્રેટરી ડી. સેન્થિલ પાંડિયન કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે રોડ સેફટીની સમસ્યાઓ અંગે વિસ્તારપૂર્વક વાત રજૂ કરી હતી. જે બાદ ખંડપીઠ દ્વારા દિશા-નિર્દેશો આપવામાં આવ્યા.

(10:33 am IST)