Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ભ્રષ્ટાચાર પ્રકરણમાં શરીફને ૧૦ વર્ષની જેલની સજા થઇ

નવાઝ શરીફની પુત્રીને પણ જેલની સજા અને દંડ : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા કોર્ટનો મોટો ચુકાદો

ઇસ્લામાબાદ,તા. ૬ : પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે આજે ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી છે. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો છે. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી છે. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે.

 નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી છે. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો છે. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પ્રોસીક્યુશન વકીલ સરદાર મુઝફ્ફર અબ્બાસે કહ્યું હતું કે, પ્રોપર્ટી જપ્ત કરવાનો પણ આદેશ કરાયો છે. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુકાદો આપવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અને તેમના બાળકો સામે સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભે નવાઝ શરીફ ફસાયા હતા. તેમને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

(12:00 am IST)