Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

તિરૂપતિ બાલાજી મંદિરે ૧૨ વર્ષે અેક વખત થતી વિધિ ઓગષ્‍ટ મહિનામાં કરાશેઃ ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે

તિરુમાલા: વિશ્વ વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં થનારી એક ખાસ વિધિને કારણે આવતા મહિને આ મંદિર પાંચ દિવસ માટે બંધ રહેશે. આ વિધિ દર 12 વર્ષે એક વાર થાય છે, અને તે વિધિ ચાલતી હોય ત્યારે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ વિધિ 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે.

તિરુપતિ મંદિરમાં 17 ઓગસ્ટથી લઈને 3 ઓક્ટોબર સુધી પણ વિવિધ પ્રકારની પૂજા તેમજ મંદિરમાં રિનોવેશન, ભગવાનના આભૂષણોની સાફ-સફાઈ કે રિપેરિંગ સહિતના કામ તેમજ વિવિધ પૂજા અને વિધિ થવાના હોવાથી આ સમગ્ર દિવસો દરમિયાન દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને થોડી તકલીફ ઉઠાવવી પડી શકે છે.

આ વિધિનું નામ અષ્ટબંધન બાલલ્યા મહાસંપ્રોક્ષણમના નામથી ઓળખવામાં આવે છે. મંદિર બંધ રાખવાની સત્તાવાર જાહેરાત આ મહિને જ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધિનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરાયો છે. આ ઉપરાંત, મંદિરમાં 11 ઓગસ્ટે પણ માત્ર 30 હજાર જેટલા જ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, મંદિરના દર્શન કરવા રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

મંદિરમાં 15 ઓગસ્ટના રોજ મહા શાંતિ થિરુમાનજનમ વિધિ કરવા આવશે, ત્યારબાદ 17 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી 48 દિવસ સુધી મંડલ અભિષેક કરવામાં આવશે, અને આ દિવસો દરમિયાન જયા-વિજયાના મંદિરથી આગળ દર્શન કરવા દેવામાં નહીં આવે. 12 ઓગસ્ટે મંદિરમાં કાલાકર્ષના વિધિ કરાશે, અને તે વખતે મંદિરના સ્ટાફને પણ રામુલાવરી મેડાથી આગળ નહીં જવા દેવાય.

ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં તિરુપતિ મંદિર જતા હોય છે, ત્યારે જો તમારો પણ આ તારીખોમાં જવાનો પ્લાન હોય તો જરા વિચારી લેજો. જો તમે પણ આ દિવસોમાં જ તિરુપતિ જવાના હો તો શક્ય છે કે ત્યારે તમને દર્શન કરવા જ ન મળે, અથવા તો લાઈનમાં કલાકો સુધી ઉભા રહીને પણ તમારો વારો ન આવે.

(6:18 pm IST)
  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST