Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વિક્રાંત માસેએ 'રાધે માં' સાથે કરી યામી ગૌતમની તુલના : કંગનાએ કહ્યું -આ વંદો ક્યાંથી આવ્યો ,લાવો મારી ચપ્પલ'

અભિનેત્રીની આ કમેન્ટ પર હવે યુઝર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ અને 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડારેક્ટર આદિત્ય લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નના અચાનક સમાચારોથી આખું બોલિવૂડ ચોંકી ઉઠ્યું છે. હવે યામીની આ તસ્વીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહી છે. તેમની તસ્વીરોવાળી પોસ્ટ પર ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમના મિત્રો અને કલાકારો કમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે. આ દરમિયાન વિક્રાંતના અભિનંદન સંદેશ અંગે કંગના રનૌતે આપેલો જવાબ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યામી ગૌતમે ઘણી જુદી જુદી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો પર તેમના સહ કલાકાર આયુષ્માન ખુરાના વિક્રાંત માસે, હૃતિક રોશન અને કંગના રનૌત સહિત ઘણા સેલેબ્સ અને ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે. આ તસ્વીરોમાં યામી ગૌતમ લાલ સાડીમાં છે.તે હિમાચલી દુલ્હનની જેમ તૈયાર થઈ છે. તે એકદમ ખુશ દેખાઈ રહી છે.

કંગનાએ લખ્યું- 'હિમાચલી દુલ્હને સૌથી સુંદર હોય છે, બિલકુલ દેવીની જેમ દિવ્ય લાગી રહી છો.' આ ફોટા પર વિક્રાંત માસેએ પણ કમેન્ટ કરી અને અભિનેત્રીની તુલના રાધેમાં સાથે કરી દીધી. વિક્રાંત માસેએ કમેન્ટમાં લખ્યું- 'રાધેમાંની જેમ પવિત્ર અને શુદ્ધ.'

વિક્રાંત માસેની આ કમેન્ટ જોઈને કંગના રનૌત પોતાને તેના પર પ્રતિક્રિયા આપતા રોકી શકી નહીં. તેમણે અભિનેતાની કમેન્ટનો જવાબ આપતા લખ્યું - 'આ વંદો ક્યાંથી આવ્યો, લાવો મારી ચપ્પલ.' અભિનેત્રીની આ કમેન્ટ પર હવે યુઝર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, કંગનાએ આ કમેન્ટ મજાકથી કરી હતી કે પછી તે ખરેખર વિક્રાંત માસેની કમેન્ટ પર ગુસ્સે થઈ ગઈ છે, આ વાત સ્પષ્ટ થઈ શકી નથી.

 યામી ગૌતમ અને આદિત્ય ધર (Aditya Dhar)એ દુનિયાની ધામધુમ અને દેખાવ સિવાય ખૂબ જ સિંપલ અને સાદી શૈલીમાં લગ્ન કર્યા છે. બંનેના ચાહકો તેમની સાદગી પર ફિદા થઈ રહ્યા છે. આ સાથે જ લગ્નની તમામ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

(11:29 pm IST)