Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

દિલ્હીમાં માત્ર દિલ્હીના રહીશોની જ સારવાર થશે : કેજરીવાલ સરકારનો નિર્ણય

કોરોના સંક્રમણથી વધતા દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ દિલ્હી કેબીનેટનો નિર્ણય

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા જતાં કોરોના સંક્રમણના કેસ વચ્ચે દિલ્હી કેબિનેટે નિર્ણય કર્યો છે કે, દિલ્હી સરકારના અને ખાનગી હોસ્પિટલોમાં માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર કરવામાં આવશે, જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તમામ લોકોની સારવાર થઈ શકશે. આ ઉપરાંત દિલ્હીથી બહારના તમામ લોકો માટે બોર્ડર ખોલી દેવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાણકારી આપી હતી.

કેજરીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં જૂનના અંત સુધી 15 હજાર બેડની જરૂરિયાત ઉભી થશે, જ્યારે અમારી પાસે માત્ર 10 હજાર બેડની જ વ્યવસ્થા છે. એવામાં હોસ્પિટલોમાં તમામ લોકોની સારવાર કરવી શક્ય નથી.

તેમણે જણાવ્યું કે, માર્ચ મહિના સુધી દિલ્હીની તમામ હોસ્પિટલો સમગ્ર દેશના લોકો માટે ખુલ્લી રહી. તે સમયે અમારી હોસ્પિલોમાં 60 થી 70 ટકા લોકો દિલ્હીની બહારના હતા, પરંતુ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. એવામાં ‘આપ’ની સરકાર બેડની વ્યવસ્થા કરી રહી છે. હવે જો દિલ્હીની હોસ્પિટલો બહારના લોકો માટે ખોલી દેવામાં આવે તો શું થશે? દિલ્હીના 90 ટકા લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી બને ત્યાં સુધી દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર થાય.

આ માટે અમે 5 ડૉક્ટરની એક કમિટી બનાવી હતી, તેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. કમિટીએ જણાવ્યું કે, જૂન અંત સુધી દિલ્હીને 15 હજાર બેડની જરૂર પડશે. તેમનું કહેવુ છે કે, હાલ દિલ્હીની હોસ્પિટલોમાં બેડ દિલ્હીવાસીઓ માટે હોવા જોઈએ. જો બહારના લોકોને બેડ ફાળવીશું, તો ત્રણ દિવસમાં તમામ હોસ્પિટલો ફૂલ થઈ જશે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે અને કોરોના સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચી ચૂક્યો છે. શનિવારે સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 27654 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 761 લોકોના મરણ નોંધાયા છે.

(4:45 pm IST)