Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ભારતની આરોગ્ય સેતુ એપને મળ્યું દુનિયાની ટોપ ૧૦ એપમાં સ્થાન

સૌથી વધુ ડાઉનલોડ થનારી એપમાં હવે આરોગ્ય સુતુએ મેળવ્યું ગૌરવરૂમ માન

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ આરોગ્ય સેતુ એપ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. કોરોના વાયરસને ટ્રેક કરનારી આ સરકારી એપ મે મહિના પણ દુનિયાની ટોપ 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંની એક બની હતી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે આ અંગે જાણકારી આપી.

અમિતાભ કાંતે ટ્વીટ કરીને કહ્યું કે આરોગ્ય સેતુ એપ લોન્ચ થયા બાદ મે મહિનામાં સતત બીજા મહિને દુનિયાભરમાં ટોચની 10 ડાઉનલોડ કરાયેલી મોબાઈલ એપમાંથી એક બની છે. ભારતે કોવિડ 19 મહામારીનો મુકાબલો કરવા માટે પ્રભાવી ઢબે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાના મામલે દુનિયાનું નેતૃત્વ કર્યું છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલના રોજ રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.

સૌથી પહેલા એપ તમે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો. આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ પહેલીવાર તમે તેને ઓપન કરશો તો કેટલીક પરમિશન્સ આપવી પડશે. આ એપ તમારા મોબાઈલ નંબર, બ્લ્યુટુથ અને લોકેશન ડેટાની મદદથી જાણકારી મેળવે છે કે તમે સુરક્ષિત છો કે પછી તમારા પર સંક્રમણનું જોખમ રહેલુ છે.

આરોગ્ય સેતુ એપ બ્લ્યુ ટુથ અને જીપીએસથી ચાલે છે. સરકારનો દાવો છે કે આ એપ કોવિડ 19 સંક્રમણના પ્રસાર, જોખમ અને બચાવ તથા ઉપચાર માટે લોકોને યોગ્ય અને સટીક જાણકારી આપવાનું કામ કરશે. આ એપ બ્લ્યુટુથ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી યુઝર્સને સંક્રમણ કે અન્ય લોકોના સંપર્કમાં આવવાની જાણકારી આપે છે. આ એપ વાયરસથી બપચાવવા માટે પાયાની સાવધાનીઓ વર્તવા માટેની ટીપ્સ પણ આપે છે.

(2:10 pm IST)