Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

લોકડાઉન દરમિયાન પોતાના વતન પાછા આવેલા શ્રમિકોને ત્યાં જ રોજગાર આપવા મોદી સરકારની કવાયત

૧૧૬ જિલ્લાને અલગ તારવી યોજનાને આખરી ઓપ અપાઇ રહ્યો છે

નવીદિલ્હીકેન્દ્રની મોદી સરકારે લોકડાઉનના કારણે રોજી-રોટી ગુમાવી હોય તેવા પ્રવાસી મજૂરો માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. સરકારે લોકડાઉનના કારણે જ્યાં સૌથી વધારે મજૂરો પાછા ફર્યા છે તેવા 6 રાજ્યના 116 જિલ્લાને અલગ તારવીને તેમના માટે યોજના ઘડી છે. તે અંતર્ગત લોકડાઉન દરમિયાન પોતાના રાજ્ય અને ગામડાઓમાં પાછા આવેલા કરોડો પ્રવાસી મજૂરોના પુનર્વસન અને રોજગાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

સરકાર 116 જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની સોશિયલ વેલફેર અને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમને ઝડપથી મિશન મોડમાં ચલાવશે. તેનો ઉદ્દેશ્ય ઘરે પાછા ફરેલા પ્રવાસી મજૂરો માટે આજીવિકા, રોજગાર, કૌશલ વિકાસ અને ગરીબ કલ્યાણ સુવિધાઓનો લાભ સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લાઓમાં મનરેગા, સ્કિલ ઈન્ડિયા, જનધન યોજના, કિસાન કલ્યાણ યોજના, ખાદ્ય સુરક્ષા યોજના, પીએમ આવાસ યોજના સહિતની અન્ય કેન્દ્રીય યોજનાઓ અંતર્ગત મિશન મોડમાં કામ કરાશે.

તે સિવાય તાજેતરમાં જાહેર કરાયેલા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જિલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે બાકી કેન્દ્રીય યોજનાઓને પણ નિશ્ચિત રૂપથી લાગુ કરાશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોને પણ બે સપ્તાહની અંદર જિલ્લાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓનો પ્રસ્તાવ તૈયાર કરી પીએમઓ મોકલવા કહેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે 116 જિલ્લાઓની પસંદગી કરી છે, જેમાં સૌથી વધારે 32 જિલ્લા બિહારના છે. ત્યારબાદ યુપીના 31, મધ્ય પ્રદેશના 24, રાજસ્થાનના 22, ઝારખંડના 3 અને ઓડિશાના 4 જિલ્લા છે. ઉલ્લેખનીય છેકે લોકડાઉનના કારણે શ્રમિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકડાઉન દરમિયાન કામ-ધંધા બંધ હોવાથી તેમની રોજી-રોટી સંકટમાં મુકાઈ હતી અને તેમણે પલાયન કરવું પડ્યું હતું. ત્યારે હવે સરકાર ઘરે પરત ફરેલા શ્રમિકો માટે રોજગારની તૈયારીઓ કરી રહી છે.

(11:57 am IST)