Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમરનાથ યાત્રા બાદ કાશ્મીરમાં તુરત ચૂંટણીઓ?

કાશ્મીરમાં લાખો સૈનિકો તૈનાતઃ ૧ જુલાઇથી બરફાની બાબાની યાત્રા શરૂ થશેઃ ૧પ ઓગષ્ટ સુધી ચાલશે

જમ્મુ : કેન્દ્ર સરકાર રાજયમાં અમરનાથ યાત્રા તથા ત્યારબાદ વિધાનસભા ચૂંટણીઓ માટે કોઇ જોખમ લેવા તૈયાર નથી. આજે કારણ છે કે તે હવે અમરનાથ યાત્રા સમયે હજારો સૈનિકોને રાજયમાં તહેનાત કરવા લાગ્યું છે. જેથી પછી તેમનો ઉપયોગ વિધાનસભા ચૂંટણી માટે પણ કરી શકાય. આજ કારણોસર હવે લાખો સૈનિકો કાશ્મીરમાં ખડેપગે રહેશે.

અધિકારીઓએ સ્વિકાર્યુ છે કે અમરનાથ યાત્રાની સુરક્ષામાં તહેનાત થનાર સુરક્ષા દળોની મદદથી જ ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીઓ કરાવશે. રાજયમાં અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સુરક્ષા કર્મીઓને તહેનાત કરવાનું શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ૧ જુલાઇથી ૧પ ઓગસ્ટ સુધી ચાલશે. એટલે ચૂંટણી પંચ ઇચ્છે છે કે જયારે યાત્રા સમાપ્ત થાય તો તેના પછી તરત ચૂંટણી કરાવી લેવી. કેમ કે ત્યારે ત્યાં સુરક્ષા દળો પહેલાથી જ હાજર હશે અને ચૂંટણી પંચે તેના માટે સુરક્ષા દળોનો વધારે બંદોબસ્ત નહીં કરવો પડે.

માહિતી અનુસાર, અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લગભગ ૪૦ હજાર સુરક્ષા કર્મીઓ તહેનાત કરાયા હતાં. તે પણ હજી રાજયમાં જ છે. રાજય પોલીસના ૪૦ હજાર જવાન આમાં સામેલ નથી. યાત્રા પુરી થયા પછી આ સુરક્ષા કર્મીઓને પાછા નહીં મોકલાય પણ તેમને ચૂંટણી માટે હોલ્ડ પર રાખી લેવાશે. જમ્મુના આઇજી પણ સ્વિકારે છે કે રાજયની પોલીસ માટે હજી રાહતનો શ્વાસ લેવાનો સમય નથી આવ્યો. પોલીસે સફળતાપૂર્વક લોકસભા ચૂંટણી પુરી કરાવી છે જેનાથી વિભાગને સંતોષ છે પણ વિભાગ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગેના પડકારોથી અજાણ નથી. આઇજીએ કહયું કે પોલીસ સંપૂર્ણ પણે સતર્ક છે અને જે રીતે ચૂંટણીઓ શાંતિપૂર્વક સંપન્ન કરાવાઇ છે તે જ રીતે અમરનાથ યાત્રા પણ સંપન્ન થશે.

(1:25 pm IST)