Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વર્ષે ૧૫ લાખ ભારતીયોને ભરખી જતુ ફુડ પોઈઝનીંગ

ફુડ પોઈઝનીંગ (ખરાબ ખાવાનું)ના મોતના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમેઃ ૩૧.૨૮ લાખ મોત સાથે ચીન પ્રથમ : ફુડ પોઈઝનીંગથી થતી બિમારીઓને કારણે દર વર્ષે ભારત ઉપર રૂા. ૧,૭૮,૧૦૦ કરોડનો પડે છે બોજો

નવી દિલ્‍હી, તા. ૭ :  સુરેશકુમાર ગુડગાંવની એક આઈટી કંપનીમાં કામ કરે છે. તેની પત્‍ની સીમા એક બુટીક ચલાવે છે. સાંજે બન્ને ઘરે પહોંચ્‍યા તો થાકી ગયા હતા. બન્નેએ ક્‍યાંકથી ભાત, પનીર અને ચીકન મંગાવ્‍યા. બીજા દિવસે સવારે બન્ને પોતપોતાના કામ પર જવાના બદલે ડોકટર પાસે પહોંચ્‍યા કેમ કે તેમને ફુડ પોઈઝનીંગ થઈ ગયું હતું. આખા દેશમાં દર વર્ષે હજારો લોકો ફુડ પોઈઝનીંગના શિકાર બને છે અથવા મરી જાય છે. આવુ તમારી સાથે પણ બની શકે છે.

બેંસેટના રીપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ ૧૫.૭૩ લાખ લોકો ખરાબ ચીજો ખાવાથી (ફુડ પોઈઝનીંગ) મરી જાય છે. ફુડ પોઈઝનીંગના કારણે મોતની બાબતમાં ભારતનો નંબર બીજો છે. ૩૧.૨૮ લાખ મોત સાથે ચીન પહેલા નંબર પર છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના ઈન્‍ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્‍સ પ્રોગ્રામ (આઈડીએસપી) અનુસાર ૨૦૦૮ થી ૨૦૧૭ વચ્‍ચે ફુડ પોઈઝનીંગ એક નવા પ્રકોપની જેમ ફેલાયો છે તે હજુ પણ ફેલાય રહ્યો છે. ૨૦૦૮થી ૨૦૧૭ વચ્‍ચે ફુડ પોઈઝનીંગના ૨૮૬૭ કેસો આવ્‍યા જે ડાયેરીયાના ૪૩૬૧ કેસોથી અલગ છે.

ગયા વર્ષે આવેલા વિશ્વ બેન્‍કના રિપોર્ટ અનુસાર ખાવાના કારણે થતી બિમારીઓના કારણે દર વર્ષે ભારત પર ૧,૭૮,૧૦૦ કરોડ રૂપિયાનો બોજ પડે છે. ૨૦૦૮થી ૨૦૧૭ દરમ્‍યાન ફુડ પોઈઝનીંગના કેસો સતત વધી રહ્યા છે જેને ધ્‍યાનમાં રાખીને રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય નીતિ ૨૦૧૭ બનાવવામાં આવી જેથી આખા દેશમાં ખાણાની ગુણવત્તા પર ધ્‍યાન રાખી શકાય.

૨૦૦૮થી ૨૦૧૭ સુધીમાં આખા દેશમાં ફુડ પોઈઝનીંગના કેસો સૌથી વધુ એ જગ્‍યાએથી જ આવ્‍યા હતા જ્‍યાં વધુ માત્રામાં ભોજન બનાવાયુ હોય. આવી જગ્‍યાઓમાં પ્રસાદ, લગ્ન સમારંભ, હોસ્‍ટેલ, કેન્‍ટીન વગેરેનો સમાવેશ થાય છે. લોકસભામાં ૪ જાન્‍યુઆરીએ તત્‍કાલીન આરોગ્‍ય પ્રધાન અશ્વિની ચૌબેએ કહ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષમાં મિલાવટવાળા ખાણાના ૨૦ ટકાથી વધારે સેમ્‍પલો મળ્‍યા હતા.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા અનુસાર વિશ્વમાં ફુડ પોઈઝનીંગના કારણે ૨૦૦ પ્રકારના રોગ થાય છે. જેમાં ડાયેરીયાથી માંડીને કેન્‍સર સામેલ છે. લગભગ ૬૦ કરોડ લોકો દર વર્ષે ફુડ પોઈઝનીંગના કારણે બિમાર પડે છે. ફુડ પોઈઝનીંગના કારણે દર વર્ષે ૫ વર્ષથી ઓછી ઉંમરના ૧,૨૫,૦૦૦ બાળકોના મોત થાય છે. ફુડ પોઈઝનીંગની સૌથી વધુ અસર ગરીબ અને તંદુરસ્‍તીમાં નબળા લોકો પર થાય છે.

સૌથી વધુ મિલાવટી ભોજન આ રાજ્‍યોમાં

મિઝોરમઃ ૮૪માંથી ૫૨ સેમ્‍પલ મીલાવટી (૬૨ ટકા)

રાજસ્‍થાનઃ ૩૫૪૯માંથી ૧૫૯૮ સેમ્‍પલ મીલાવટી (૪૫ ટકા)

ઉત્તર પ્રદેશઃ ૧૯૦૬૩માંથી ૮૩૭૫ સેમ્‍પલ મીલાવટી (૪૪ ટકા)

ઝારખંડઃ ૫૮૦માંથી ૨૧૯ સેમ્‍પલ (૩૮ ટકા)

મણીપુરઃ ૮૩૦માંથી ૨૯૫ સેમ્‍પલ (૩૬ ટકા)

(10:34 am IST)