Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગુજરાત સરહદે તંગદિલી વધીઃ ભારતીય લશ્કર સાબદું: સરક્રીક- સુજાવલથી કરાચી સુધી પાકિસ્તાન મરીન તૈનાત

ડ્રગ્સ અને પાકિસ્તાની ઘુસણખોરો ઝડપાયાના પગલે પાકિસ્તાન લશ્કરે રણનીતિ બદલી : મોદી સરકાર બન્યા પછી અને જમ્મુ.કાશ્મીરનાં નવા સીમાંકની ચર્ચા વચ્ચે પાકિસ્તાન દ્વારા આ પ્રકારની તૈયારીને ગંભીર માનતા સુરક્ષાના જાણકારો

ભુજ, તા.૭:  જમ્મુ કાશ્મીર સરહદે વધેલી તંગદિલીભરી પરિસ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાને પોતાની નજર ગુજરાતની સરહદ તરફ કરીને અહીં પોતાની સંપૂર્ણ મરીન બટાલિયન તૈનાત કરતા હવે ગુજરાત સરહદે તંગદિલી વધી છે. આમ તો, કચ્છની આંતરરાષ્ટ્રીય રણ તથા દરીયાઇ સીમા ઉપર પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી 'નાપાક' હરકતો વધી રહી છે.

 તેવામાં હવે પાડોશી દેશ દ્વારા તેની સમગ્ર પાક મરીન વિંગને ક્રીક એરિયામાં તૈનાત કરી દેવામાં આવી છે. મોદી સરકાર દ્રારા સંપુર્ણ બહુમતી સાથે ફરી એકવાર દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી અને જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકનની ચર્ચા વચ્ચે પાક દ્રારા આ પ્રકારની તૈયારીને સુરક્ષાના જાણકારો અતિ ગંભીર માની રહયા છે.

કારણ કે પાકિસ્તાન દ્રારા માત્ર મરીન વિંગ તૈનાત કરવામા આવી છે એટલું જ નહીં પરંતું કચ્છનાં સરક્રીકને અડીને આવેલા વિસ્તારમાં બે નવી આધુનિક પોસ્ટ ઊભી કરવામા આવી છે તથા માળખાકીય સુવિધાઓ ઉપરાંત ખાસ પ્રકારનાં સાધનો પણ ગોઠવવામાં આવી રહ્યાં છે

સીમાપારથી મળી રહેલા રિપોર્ટ પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાને તેની સમગ્ર મરીન વિંગને જુદાજુદા સ્થળેથી ખસેડીને કચ્છને અડીને આવેલા ક્રીક એરિયામાં તૈનાત કરી દીધી છે. માત્ર એટલું જ નહીં પરંતું સરક્રીક પાસે આવેલા વિસ્તારમાં બે નવી પોસ્ટ પણ ઊભી કરી દીધી છે. એક બટાલિયનને સર ક્રીકમાં તૈનાત કરાઈ છે, તો, જળ અને જમીન ઉપર રહીને કાર્યવાહી કરી શકે તેવી બીજી બટાલિયનને કરાંચીમાં તૈનાત કરાઈ છે. જોકે, યુદ્ઘની તંગદિલી વધી રહી હોય તેવા સંજોગોમાં જેમ વધારાની બટાલિયનને સ્ટેન્ડ બાય રખાય તેમ પાકિસ્તાન મરીન દ્વારા તેમની ૩૧મી ક્રીક બટાલિયનને સરક્રીક પાસે આવેલા સુજાવલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જોકે, પાકિસ્તાન દ્રારા કચ્છ સરહદે કરવામા આવી રહેલી મુવમેન્ટ ઉપર ભારતીય લશ્કર દ્રારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

કચ્છનાં દરિયાઇ વિસ્તારમાથી થોડા સમય પહેલા ઝડપાયેલા ડ્રગ્સનાં જથ્થા ઉપરાંત ઘુસણખોરીની ઘટના લગાતાર બની રહેલી ઘટનાઓ પછી ભારતીય સુરક્ષા દળોની નિયમિત કરતા વધુ ચોકસાઈ વધતા પાક દ્રારા પણ આ પ્રકારની ગતિવિધિ કરવામાં આવી રહી હોવાનુ સૂત્રોએ ઉમેર્યું હતુ.

(10:33 am IST)