Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

દુષ્‍કાળની અસર...ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના એનપીએમાં ૪૩ ટકાનો વધારો

ગયા વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતોની માઠી દશાઃ પાક નહિવત થયો અથવા તો થયો જ નથીઃ વધુમાં પાકના આ વર્ષે ઓછા ભાવ મળતા ખેડૂતોની આવકમાં ધરખમ ઘટાડો થયો : ખેડૂતો વધુ દેવાદાર બન્‍યાઃ બેન્‍કોની લોન ચુકવવા અશકિતમાન બન્‍યા, જેના કારણે કૃષિ ક્ષેત્રની બેડલોન વધીને રૂા. ૫૬૯૦ કરોડની થઈઃ પાક લોન લેવામાં ૬૫.૯ ટકાનો વધારો થયોઃ બેન્‍કર્સ કમિટીનો ચોંકાવનારો રીપોર્ટ

નવી દિલ્‍હી, તા. ૭ : ગયા વર્ષે પડેલા ઓછા વરસાદ અને સિંચાઈની સુવિધાઓના અભાવના કારણે ગુજરાતના ખેડૂતોની સ્‍થિતિ કેવી કફોડી છે તેનો અંદાજ આ ઉદાહરણ પરથી મળી શકે છે. મહુવાના રાધેશ્‍યામ પટેલે પાક લોન અને કિસાન ક્રેડીટ કાર્ડથી રૂા. ૪ લાખની લોન લીધી હતી. હજુ સુધી તે માત્ર ૧ લાખ રૂપિયા જ ભરી શકયા છે. અપુરતા વરસાદના કારણે આ વર્ષે તેઓ પુરતો પાક લઈ શકયા નથી. પાણીની કટોકટીને કારણે પાકની ગુણવત્તા પર પણ માઠી અસર પડી છે. તેઓ કહે છે કે ગયા વર્ષે મને મારા પાક ઉપર કિલોએ રૂા. ૮ મળ્‍યા હતા, જ્‍યારે આ વખતે મને માત્ર કિલોએ ૧ અથવા ૨ રૂપિયા મળે છે. આ સંજોગોમાં હું કઈ રીતે લોન ભરૂ ? મારી પાસે મજુરોને ચુકવવાના પણ પૈસા નથી.

રાધેશ્‍યામ પટેલ જ નહીં પરંતુ ગુજરાતના એવા અનેક ખેડૂતો છે જેઓ અપુરતા વરસાદને કારણે ઉભા થયેલા દુષ્‍કાળથી અસરગ્રસ્‍ત છે અને લોન ભરવા અશકિતમાન છે. સ્‍ટેટ લેવલની બેન્‍કર્સ કમિટીના છેલ્લા રીપોર્ટ અનુસાર ખેડૂતો દ્વારા લોન ભરપાઈ નહી થવાથી અથવા તો ઓછી થવાથી કૃષિ ક્ષેત્રનું એનપીએ ૪૩.૨૫ ટકા વધવા પામ્‍યુ છે. ૨૦૧૮-૧૯માં કૃષિ ક્ષેત્રની બેડલોન રૂા. ૫૬૯૦ કરોડ થવા પામી છે. જે ૨૦૧૭-૧૮માં રૂા. ૩૯૭૨ કરોડ હતી. બેન્‍કરોનું કહેવુ છે કે જે રીતે ખેડૂતોની બેડલોન વધી રહી છે તે સ્‍પષ્‍ટ દર્શાવે છે કે ગુજરાતમાં દુષ્‍કાળના ડાકલા વાગી રહ્યા છે.

એક બેન્‍કના અધિકારીના જણાવ્‍યા પ્રમાણે સામાન્‍ય રીતે કૃષિ ક્ષેત્રમાં બેડલોનની ઉંચી ટકાવારી જોવા મળતી નથી, પરંતુ આ વખતે માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ દેશભરમાં દુષ્‍કાળની પરિસ્‍થિતિ ઉભી થઈ છે. જેને કારણે પાક ઉપર માઠી અસર પડે છે અને પરિણામે ખેડૂતોને આવક થતી નથી અને તેઓ લોન ભરપાઈ કરી શકતા નથી.

ચોંકાવનારી બાબત એ છે કે, પાક લોન કે જે ૨૦૧૮-૧૯માં ૨૨૭૩ કરોડ રહી હતી જે અગાઉના વર્ષે રૂા. ૧૩૭૦ કરોડ હતી. એક વર્ષમાં આ લોનમાં ૬૫.૯ ટકાનો વધારો થયો છે. આ સામે પાક લોન આપવામાં માત્ર ૫.૮ ટકાનો વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં આ લોન રૂા. ૪૩૫૯૪ કરોડ હતી જે ૨૦૧૮-૧૯માં રૂા. ૪૬૧૬૨ કરોડ થઈ છે.

પરિસ્‍થિતિ અંગે વધુ વિગત આપતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સિનીયર પ્રોફેસર જણાવે છે કે, ૨૦૧૭-૧૮મા પાણીની અછતના કારણે રાજ્‍ય સરકારે જાહેરાત કરી હતી કે શિયાળુ અને ઉનાળુ પાક માટે નર્મદામાંથી પાણી છોડવામાં નહિ આવે જેની કૃષિ ક્ષેત્રે માઠી અસર થઈ છે. શકય છે કે ખેડૂતો ૨૦૧૭નું બાકી લેણુ પણ ચૂકવી શકયા નથી. અધુરામાં પુરૂ વધુ લોન લેવી પડી છે અને તેઓનું દેવુ વધ્‍યુ છે. મળેલી વિગતો મુજબ ગયા વખતે ૭૬.૭૩ ટકા વરસાદ વરસ્‍યો હતો.

(10:34 am IST)
  • મુંબઈમાં ૯ સ્થળે ''ઈડી''ના દરોડા : ૫૪૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડ બાબતે ''ઈડી''એ મુંબઈમાં ૯ સ્થળે સામટા દરોડા પાડયા છેઃ વિગતો મેળવાઈ રહી છે access_time 1:08 pm IST

  • બિહારમાં ભાજપ નેતાની ગળુ દાબી ક્રુર હત્યા : બિહારમાં ચંપારણ જીલ્લામાં ભાજપના એક નેતાની હત્યા કરી તેની દુકાનમાં લૂંટ ચલાવામાં આવી છેઃ કૃષ્ણા શાહ નામના ભાજપના નેતાને ગઇરાત્રે બેફામ માર મારી ગળુ દબાવી હત્યા થઇ છેઃ તેઓ નરેન્દ્રભાઇ મોદીની ખુબ નજીક હોવાનું મનાય છે access_time 4:05 pm IST

  • સુરતના કેબલબ્રીજમાંથી એલઈડી લાઈટની ચોરી ડેકોરેશન માટે બ્રીજમાં લગાવવામાં આવેલી ૪ાા લાખની એલઈડી લાઈટ ચોરાયાની અડાજણ પોલીસને મહાનગરપાલિકાએ કરી જાણ : ચોરી બાબતે તપાસ શરૂ access_time 6:17 pm IST