Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઉત્તરપ્રદેશ-રાજસ્થાનમાં પણ વહેલી તકે મોનસુન પહોંચશે

કાળઝાળ ગરમીથી ટૂંકમાં જ લોકો રાહત મળશે : બંને રાજ્યોમાં હાલમાં પારો ૪૫ની આસપાસ પહોંચ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ : પ્રિ મોનસુનની તૈયારી

લખનૌ, તા. ૭ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભારે વરસાદની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ મોનસુનની હવે ઝડપથી એન્ટ્રી થઇ રહી છે. ૧૦મી જૂન સુધી ઉત્તરપ્રદેશમાં પણ પ્રિ મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં લોકો ગરમીથી બેહાલ છે ત્યારે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અહીં પણ મોનસુનની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરપ્રદેશમાં લોકોને ટુંક સમયમાં જ ગરમીથી રાહત મળી જશે. બરેલી, બદાયુ, શાહજહાંપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રિ-મોનસુની વરસાદનો દોર ૧૦મી જૂનથી શરૂ થઇ શકે છે. લખનૌ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં હાલ તીવ્ર ગરમી પડી રહી છે. બીજી બાજુ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં પારો ૪૧ સુધી પહોંચી ગયો છે. બુંદેલખંડના અનેક વિસ્તારોમાં પારો ૪૫થી ઉપર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનના વિવિધ ભાગોમાં પણ પારો ૪૫થી ઉપર પહોંચી ચુક્યો છે. કાળઝાળ ગરમીથી હવે ટૂંકમાં જ રાહત મળી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે દક્ષિણ પશ્ચિમ મોનસુનની કેરળમાં નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ દેશના અન્ય ભાગોમાં પણ નિર્ધારિત સમય પહેલા એન્ટ્રી થઇ રહી છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં તેમજ દેશના અન્ય ભાગોમાં વહેલીતકે મોનસુન પહોંચશે. ગુજરાતમાં પણ ૧૦થી ૧૫મી વચ્ચે મોનસુનની એન્ટ્રી થઇ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

(7:32 pm IST)