Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મધ્યપ્રદેશના જબલપુરમાં પાટીદાર નેતા હાર્દિકની કાર પર ઇંડા અને પથ્થર ફેંકાયાઃ ભાજપ સામે આક્ષેપો

જબલપુરઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવીને પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલ હાર્દિક પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે હતા તે દરમિયાન તેઓની કાર ઉપર ઇંડા અને પથ્થરોના ઘા થતા આ મામલે હાર્દિક પટેલે ભાજપ ઉપર નિશાન ટાંકીને બેફામ આક્ષેપો કર્યા હતાં.

હાર્દિક પટેલ જબલપુરના પનાગરમાં થનારા સમ્મેલનમાં જોડાવવા ત્યાં ગયા છે. આ દરમિયાન તેમની કાર પર આ હુમલો થયો છે. આ ઘટના પછી ટ્વિટર પર લખ્યું કે, મધ્યપ્રદેશના જબલપુરમાં મામા શિવરાજના ચેલાઓએ અમારૂં સ્વાગત ઈંડાથી કર્યું છે. આજે જબલપુરથી પનાગતર જતી વખતે આગાચોક પર મારી ગાડી પર ઈંડા ફેંક્યા અને નામર્દોની જેમ જ ભાગી ગયા, અરે મામા શિવરાજ ઈંડાથી આ હાર્દિક ડરવાનો નથી. બંદૂકની ગોળી ચલાવો. જ્યાર સુધી મારા શરીરમાં લોહી છે ત્યાં સુધી આ લડાઇ ચાલુ જ રહેશે.

નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં થઇ રહેલા 'ગામ બંધ' આંદોલન વચ્ચે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસની યાત્રા પર જબલપુર પહોંચ્યા છે. જબલપુરમાં હાર્દિક પટેલ રેલી કરવાના હતાં, જો કે તંત્રએ તેમને મંજૂરી આપી નહીં અને કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન હાર્દિકને રેલીની અનુમતિ ન આપી શકાય.

નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં નવેમ્બર સુધીમાં ચૂંટણી યોજનાર છે. કોંગ્રેસ અહીં ઘણા વર્ષોથી સત્તામાં આવવા માટે પ્રયાસો કરી રહી છે. આ માટે હવે તે ખેડૂતોના ખભા પર સવાર થઈને સત્તા મેળવવા માગે છે. આ માટે જ બુધવારે રાહુલ ગાંધી મંદસૌર પહોંચ્યા હતા. અહીં તેમણે વર્ષ પહેલા ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા છ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો પાટિદાર નેતા હાર્દિક પટેલ પહેલાથી જ મધ્ય પ્રદેશમાં સક્રિય છે. હાર્દિક 7 અને 8મી જુનના રોજ જબલપુર અને સતનામાં રેલી કરવાનો છે.

(6:11 pm IST)