Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

એક ટ્રેનમાં સીટ નહીં મળે તો બીજી ટ્રેનમાં કન્ફર્મ ટીકીટ

૧ જુલાઇથી રેલ્વે ટીકીટ રિઝર્વેશન ફોર્મમાં નવો સુધારો અમલી બનશે

નવી દિલ્હી, તા.૭: રેલવે તંત્ર ૧ જુલાઇથી રેલવે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ સાથેના વિકલ્પ લઇને આવી રહ્યું છે. જેમાં પ્રવાસી ટિકિટ બુક કરતી વખતે તેની જરૂર મુજબના વિકલ્પ પસંદ કરી શકશે. ખાસ સુવિધાના ભાગરૂપે કોઇ પણ પ્રવાસીને કોઇ એક ટ્રેનમાં જો બર્થ ટિકિટ નહીં મળે તો બીજી ટ્રેનમાં એ જ ટિકિટ દ્વારા તેને બર્થ ટિકિટ ફાળવવામાં આવશે.

૧ જુલાઇથી રેલવે ટિકિટ રિઝર્વેશન ફોર્મમાં નવો સુધારો અમલી બનશે. ફોર્મમાં વિકલ્પ નામની એક નવી કોલમ ઉમેરાશે. જેમાં આપવામાં આવેલા વિકલ્પમાંથી પ્રવાસી પોતાને અનુકુળ વિકલ્પ પસંદ કરીને સગવડો મેળવી શકશે. જેમાં ખાસ સગવડના ભાગરૂપ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે અલગ કવોટા રિઝર્વ કરાશે.

નવા અમલી થનારા ફોર્મમાં પ્રેગ્નન્ટ મહિલા પ્રવાસી માટે પણ એક અલગ કોલમ હશે જે વિકલ્પ તરીકે પસંદ કર્યા પછી તે મહિલાને લોઅર સીટ રિઝર્વ કવોટામાંથી ફાળવવામાં આવશે. જોકે જે તે પ્રેગ્નન્ટ મહિલાએ તેના ફોટો આઇડી સાથેનું ડોકટરનું સર્ટિફિકેટ પણ સાથે જોડવું પડશે.

રિઝર્વેશન ફોર્મમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવેથી રેલ યાત્રીઓ માટે વિકલ્પ સ્કીમની જે નવી કોલમ ફોર્મમાં છપાશે તેમાં રિઝર્વેશન ફોર્મમાં તે રૂટ ઉપર પ્રવાસીએ ૧ર કલાક, ર૪ કલાક અને ૪૮ કલાકની અંદર ઉપડતી બીજી કોઇ એક ટ્રેનનો વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે.

એટલું જ નહીં નવા ફોર્મના ફોર્મેટમાં આધાર નંબર પણ લખવો પડશે. જોકે જે પ્રવાસી આધાર નંબર નહીં લખે તે હાલમાં ટૂંકા સમય માટે ચલાવી લેવાશે. કારણ કે આધાર નંબર દર્શાવવાનું ફરજિયાત કરાયું નથી.આગામી માસથી પહેલી વખત દૂરંતો એકસપ્રેસ કે કોઇ પણ ટ્રેનની થર્ડ એસી, સેકન્ડ એસી કલાસની મુસાફરી કરવા માટે રિઝર્વેશન ટિકિટ લેતી વખતે યાત્રીને બેડરોલ જોઇએ છે કે કેમ? તે ફોર્મમાં વિકલ્પ કોલમમાં જણાવવું પડશે.

આ ઉપરાંત રાજધાની, શતાબ્દી અને દૂરંતો ટ્રેનમાં વેજ કે નોનવેજ ભોજન માટે ફોર્મમાં જ હા અથવા ના દર્શાવવું પડશે. યાત્રી જો વિકલ્પ પસંદ નહીં કરે તો તેને જે ભોજન ઉપલબ્ધ હશે તે જ મળશે. ગર્ભવતી મહિલાઓ માટે પણ અલગ કોલમ સમાવિષ્ટ કરાશે. આમ હવે આગામી માસથી મુસાફરો માટે રેલયાત્રા વધુ સુગમ બનશે.

(4:14 pm IST)