Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

રાજનાથસિંહના કાશ્મીર પ્રવાસ વચ્ચે કુપવાડામાં આતંકી હુમલો

બે જવાનને ઇજા : ગોળીબાર ચાલુ : જવાની કાર્યવાહી હાથ ધરાઇ

શ્રીનગર તા. ૭ : એક તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે ત્યાં જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના કેરન સેકટરમાં સેનાની પેટ્રોલિંગ ટીમ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છેકે રાજનાથ સિંહ પોતાના બે દિવસના કાર્યક્રમમાં કુપવાડાની પણ મુલાકાત લેશે. આ અગાઉ ૪ દિવસ પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાર થયા છે.

હાલમાં હુમલો કુપવાડાના કેરાન સેકટરમાં તે સમયે હુમલો કરવામાં આવ્યો જયારે ભારતીય સેના પેટ્રોલિંગ કરી રહી હતી. આ હુમલામાં સેનાના ૨ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમજ સેના તરફથી જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને છેડે સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના ૬ RRની ચોકીના જવાનોએ જંગલોમાં ઘુસણખોરી કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. જે પછી સામસામે ગોળીબાર શરૂ થયો છે. આતંકવાદીઓની સંખ્યા ૩થી ૫ બતાવવામાં આવી રહી છે.

આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જયારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગરમાં છે અને ત્યાં ઘણાં કાર્યક્રમમાં ભાગ લેશે, જે પછી તેઓ કુપવાડામાં પણ મુલાકાત માટે પહોંચવાના છે.

હુમલા બાદ ત્રાસવાદીઓ ઘટના સ્થળેથી ફરાર થયા છે. હાલમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. કુપવાડામાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ત્રાસવાદીઓએ સેનાના જવાનો પર પેટ્રોલિંગ કરતા સમયે હુમલો કર્યો હતો.

(4:10 pm IST)