Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

એફોર્ડેબલ હાઉસીંગમાં મકાન મેળવવું સ્વપ્ન થઇ જશે?

આરબીઆઇએ ચેતવણી આપી છે કે બેંક જો બેડ લોનની વધતી સમસ્યાને પહોંચી વળવા માટે નિયમોને કડક ન બનાવી શકે તો તે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ઓછી રકમની લોનને મોંઘી બનાવી શકે છે

નવી દિલ્હી તા. ૭ : સસ્તુ ઘર ખરીદવાનું તમારૂ સ્વપ્ન હવે મોંઘુ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ ચેતવણી આપી છે કે બેંક જો બેડ લોનની વધતી સમસ્યાને પહોંચી વળવા માટે નિયમોને કડક ન બનાવી શકે તો તે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ઓછી રકમની લોનને મોંઘી બનાવી શકે છે. તો આ સાથે જ ઘર ખરીદનારા લોકોને ઘર માટે વધારે પૈસા ચૂકવવા માટે મજબૂર કરી શકે છે. આરબીઆઈએ જણાવ્યું છે કે તે ૨ લાખ રૂપિયા સુધીની લોન વાળા સેગમેન્ટ પર નજર રાખી રહી છે અને જરૂર પડ્યે લોન ટુ વેલ્યુ રેશિયો અથવા બેંકો માટે રિસ્ક વેટેજ વધારવા માટે કહી શકે છે.

આરબીઆઈએ મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે હોમલોન ડેટાની તપાસથી ખ્યાલ આવે છે કે ૨ લાખ રૂપિયા સુધીની લોનમાં એનપીએ લેવલ ખૂબ વધારે છે અને આ તેજીથી વધી રહ્યું છે. સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોને મોનિટરિંગ સીસ્ટમ યોગ્ય કરવી જોઈએ. નોન મેટ્રો શહેરોમાં ૬૦૦ વર્ગ ફૂટ સુધી અને મેટ્રો શહેરોમાં ૩૪૫ વર્ગ ફૂટ સુધીના ફલેટ્સ અફોર્ડેબલ સેગમેન્ટમાં આવે છે. સરકાર આવા ઘરો માટે નિર્માણને વેગ આપવા માટે જોર લગાવી રહી છે. એટલા માટે બેંકો અને એનબીએફસીને પણ આ સેગમેન્ટમાં લોન આપવામાં રૂચી વધી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગને ખરીદકર્તા અને દેણું આપનારા બંન્ને લોકો માટે આકર્ષક બનાવવામાં આવી છે. આમાં શરૂઆતમાં જ સબસીડી આપવામાં આવે છે. આ યોજનામાં સરકાર ૩ લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકો માટે ૬.૫ ટકાની ઈન્ટરેસ્ટ સબસિડી આપે છે. છેલ્લા થોડા સમયમાં આ સેગમેન્ટમાં લોન ગ્રોથ વધ્યો છે તો બીજી તરફ બેડ લોનમાં પણ તેજી જોવા મળી રહી છે.

હાઉસિંગ ફાઈનાન્સ કંપનિઓના એયૂએમ ગત નાણાકિય વર્ષમાં ૨૪ ટકા વધ્યા હતા. હાઉસિંગ લોન સેગમેન્ટ ૧૬ લાખ કરોડ રૂપીયાનું છે ત્યાં જ અફોર્ડેબલ હાઉસિંગની આમાં ૨૦ ટકા જેટલી ભાગીદારી છે. નાની અને નવી હાઉસિંગ ફાઈનાંસ કંપનિઓ મુખ્યત્વે ૨ લાખથી ઓછી કેટેગરીમાં લોન આપે છે. દેશમાં આશરે ૧૦૦ હાઉસિંગ ફાઈનાંસ કંપનીઓ છે, જેમાં ૧૫-૨૦ આ સેગ્મેન્ટમાં એકિટવ છે.

(4:09 pm IST)