Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

૯ ઇન્સ્યોરન્સ એજન્ટો પાસેથી ૧ કરોડની જુની નોટો ઝડપાઇઃ નેપાળ જતા હતા

ગાઝીયાબાદ તા. ૭ : નોટબંધી અમલી થયાના દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. દેશમાં ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની જૂની નોટો બદલવાની તમામ સમય મર્યાદા ખત્મ થઈ ગઈ છે. પરંતુ પાછલા દરવાજેથી આ ગોરખધંધા આજે પણ ચાલુ છે. ગાઝિયાબાદ પોલીસે એવી જ ગેંગના ૧૦ શખ્સોને ગિરફતાર કર્યા છે.તેમની પાસેથી લગભગ એક કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ જપ્ત કરી છે. આ રૂપિયા બે કારોમાં ભરીને નેપાળ લઈ જઈ રહ્યા હતા, જેથી ત્યાં તેની ફેરબદલી કરી શકાય.

એસએસપી વૈભવ કૃષ્ણના મતે પોલીસે સોમવારની રાત્રે ખબરી પાસેથી મળેલી સૂચનાના આધારે વોચ ગોઠવી હતી. બાતમી એવી મળી હતી કે કેટલાક લોકો બે કારોમાં મોટા જથ્થામાં ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની જૂની ચલણી નોટો લઈ જઈ રહ્યા છે. કવિનગર પોલીસમથકના પ્રદીપ ત્રિપાઠીના નેતૃત્વમાં કામ કરી રહેલી ટીમે પૂજા કટની પાસે આ બે કારોને પકડી હતી. બંને કારો થોડા થોડા સમયના અંતરે આવી હતી. ગિરફતાર આરોપીઓમાં ગાઝિયાબાદના પિન્ટુ, રાહુલ કુમાર, મેરઠના રાહુલ શર્મા, કાવ્ય, સચિન, મથુરાનો દીપક, દિલ્હીનો ગૌરવ ગર્ગ, અવતારસિંહ, અરુણ ગુપ્તા અને પલવલનો રાજેશ સામેલ છે. અવતાર ડ્રાઇવર છે, જયારે બાકીના ઇન્શ્યોરન્સ એજન્ટ છે. આરોપીઓની પૂછતાછમાં તેઓએ જણાવ્યું હતું કે આ રૂપિયા તેમને ગ્રેટર નોઇડાના અનિલ દીક્ષિત અને આગરાના યાદવ નામના શખ્સના માધ્યમથી મળ્યા હતા.

આ કેસમાં અનિલ દીક્ષિત સાથે સંપર્કમાં રહેતા અરુણે જણાવ્યું હતું કે આ રૂપિયાના બદલામાં તેને ૧૦ લાખ મળવાના હતા. જૂની નોટ નેપાળ પહોંચાડાયા બાદ આ રકમ તેને મળવાની હતી. આ જૂની નોટ નેપાળ સરહદ સુધી લઈ જવાની હતી. એ પછી અનિલ નામનો એક શખ્સ નેપાળમાં આગળ લઈ જવાનો હતો.

(3:57 pm IST)