Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૮૪ પોઇન્ટ સુધી ઉછાળો

સતત બીજા દિવસે શેરબજારમાં તીવ્ર તેજી : મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં તેજી નોંધાઈ : નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાની આસપાસનો ઉછાળો

મુંબઇ,તા. ૭ : આરબીઆઈ દ્વારા તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ સતત બીજા દિવસે આજે શેરબજારમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૪ પોઇન્ટ ઉછળીને ૩૫૪૬૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૦૭૬૮ની સપાટીએ રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૪૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સેઇલ, આઈડીબીઆઈ બેંકના શેરમાં ઉછાળો નોંધાયો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. યુનિટેક અને રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તેજી નોંધાઈ હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. છ સભ્યોની નાણાંકીય નીતિ સમીક્ષામાં રેટ વધારવામાં આવ્યા બાદ તેજી રહી છે. આરબીઆઈના વલણથી દુવિધા દૂર થઇ છે જેના કારણે આ તેજી જોવા મળી રહી છે. એશિયન શેરબજારમાં પણ આજે તેજી રહી હતી. ગઇકાલે બુધવારના દિવસે પણ શેરબજારમાં લેવાલી જામી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૬ પોઇન્ટ ઉછળીને ૩૫૧૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૫ની સપાટીએ રહ્યો હતો. આરબીઆઈ દ્વારા તટસ્થ વલણ અપનાવવામાં આવ્યા બાદ આની સીધી અસર જોવા મળી હતી. સાડા ચાર વર્ષના ગાળામાં પ્રથમ વખત રેટમાં વધારો કરાયો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા ગયા ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.

વૈશ્વિક પરિબળોની વાત કરવામાં આવે તો યુએસ જોબ ડેટાનો સમાવેશ થાય છે. ગઇકાલે બુધવારે પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.  આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો છે. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. એમપીસીએ પોલિસી વલણ તટસ્થ રાખ્યું  હતુ. આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો.પોલીસી સમીક્ષા બાદ લોન મોંઘી બનનાર છે.

(7:33 pm IST)