Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બેઠકનું સૂરસૂરીયું ? શિવસેના એકલા હાથે જ લડશે

ભાજપ - અમિત શાહને ફટકો : ભાજપથી હજુય નારાજ છે શિવસેના : શિવસેનાના નેતા સંજય રાઉતનું એલાન : એકલા સાથે જ ચૂંટણી લડવા કારોબારીએ પસાર કર્યો છે ઠરાવ

મુંબઇ તા. ૭ : ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે વચ્ચે બુધવારની મુલાકાત પછી શિવસેના તરફથી ગુરૂવારે કહ્યું કે, તે એકલા હાથે જ ચૂંટણી લડશે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાના રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે, અમે એકલાં જ ચૂંટણી લડીશું. તેમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. રાઉતે કહ્યું કે, બુધવારે બંને નેતાઓ વચ્ચે બે કલાક સુધી ઘણાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. અમિત શાહએ ફરીથી મળવાની વાત કરી છે અને અમિત શાહનો એજન્ડા જાણીએ છે.

સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે આજે પાલઘમાં એક રેલી સંબોધન કરશે. જયાં તેઓ બુધવારમાં બંને નેતાઓ વચ્ચે બેઠકમાં કયાં મુદ્દા પર વાતચીત થઈ તે અંગે માહિતી આપશે.

અત્રે નોંધનીય છે કે અમિત શાહ અને ઉદ્ઘવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં આશરે અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. ભાજપ તરફથી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન ચાલુ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. આ તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, ભાજપે સેનાને મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ વરિષ્ઠ નેતાઓને સ્થાન આપવા માટેની હામી ભરી છે.

આ તરફ શિવસેનાના મોટેભાગના સાંસદ અને ધારાસભ્ય ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવા માંગે છે. તેમજ તેમનું માનવું છેકે જો ભાજપ સાથે ગઠબંધન તૂટી જશે તો સત્તા પણ ગુમાવી પડે તેમ છે. ત્યારે ઘણાં વરિષ્ઠ નેતા ભાજપ સાથે જોડાવા માંગતા નથી. આ તરફ ભાજપ પાસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા NDAના મોટા સંગઠનોને મનાવવું જરૂરી છે. અમિત શાહે ઉદ્ઘવ સાથે મુલાકાત પછી ભાજપના નેતા અને વિજય પુરાણિક સાથે વાતચીત કરી હતી.

(4:13 pm IST)