Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મુંબઈમાં વરસાદ શરૂ: કાલથી ૪ દિ' દે ધનાધનઃ હાઈએલર્ટ

કાલથી ચાર દિવસ મુંબઈ-મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ હવામાન ખાતાની આગાહીઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ નેવી-બીએમસીના જવાનો રેસ્કયુ ઓપરેશન માટે તૈયારઃ વરસાદ આફત સર્જે તેવી શકયતાઃ સમગ્ર શહેર જળબંબાકાર થવાના સંજોગોઃ કોંકણ અને ગોવા ઉપરનું ચક્રવાત ભારે વરસાદ વરસાવશે

મુંબઈ, તા. ૭ :. મુંબઈમા આજે વહેલી સવારથી વરસાદનો પ્રારંભ થયો છે. આવતીકાલથી આ વરસાદ આફતરૂપ બનવાનો હોવાથી સરકાર અને બીએમસી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થયુ છે. આવતીકાલથી ૧૧મી સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. સાવચેતીના પગલા સ્વરૂપે એનડીઆરએફની ૩ ટીમો તૈનાત કરવામાં આવી છે.

મુંબઈમાં પહેલા જ પ્રિમોન્સુન વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતું. જેના કારણે પ્રસાશન પહેલેથી જ સતર્ક છે. પ્રથમ વરસાદમાં જ શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાય ગયા હતા. હવામાન ખાતાનું કહેવુ છે કે કોંકણ અને ગોવા ઉપર ચક્રવાત બનતુ જણાય છે જે મહારાષ્ટ્રના કિનારે પહોંચશે. આના કારણે મુંબઈ, રત્નાગીરી, દહાણુ, થાણે અને સિન્ધુ દુર્ગમાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલથી ૩ થી ૪ દિવસ માટે પડશે.

આજે વહેલી સવારથી મુંબઈમાં વરસાદ પડવાનો શરૂ થયો છે જે આવતીકાલથી જોર પકડશે. ૧૦ અને ૧૧ જૂને સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય કેરળ અને કર્ણાટકના કિનારામા પણ આ ચક્રવાત ભારે વરસાદનું કારણ બની શકે છે. મુંબઈમાં આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.

મુંબઈમાં ભારે વરસાદ પડવાનો હોવાથી એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે જે પરેલ અને માનખુર્દ ફાયર સ્ટેશનો પર તૈનાત રહેશે. જ્યારે રેસ્કયુ ઓપરેશન માટે નૌકાદળની ટીમો કોલબા, વરલી, ઘાટકોપર, ટ્રોમ્બે અને મલાડમાં રહેશે. ફાયર બ્રિગેડની ૬ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનો છે. પાણી ભરાય તો તેના નિકાલ માટે ૨૮૦ પંપો સેવામાં લેવાયા છે. એટલું જ નહિ દરીયામાં ૪.૫ મીટરના ઉંચા મોજા પણ ઉછળે તેવી શકયતા છે. તકેદારીના રૂપે બીએમસીએ કર્મચારીઓની રજા રદ કરી છે.(૨-૪)

(11:40 am IST)