Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

હવે વાહનો માટે મળશે લાંબાગાળાના થર્ડ પાર્ટી વીમા

ફોર વ્હીલર માટે ૩ અને ટુ વ્હીલર માટે પ વર્ષનો વીમો

નવી દિલ્હી, તા. ૭ : આવતા સમયગાળામાં હવે કદાચ થર્ડ પાર્ટી વીમો દર સાલ નહીં ઉતરાવવો પડે. વાહનનો વીમો એકસાથે ઘણા વર્ષો માટે ઉતરાવી શકાશે. ઇરડાએ સામાન્ય વીમા કંપનીઓને થર્ડ પાર્ટી વીમો લાંબા સમય માટે આપવા કહ્યું છે. જો વીમા કંપનીઓ તેનો અમલ કરશે દર વર્ષે વીમો ઉતરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે અને પ્રીમીયમ પણ ઓછું થશે.

વીમા કંપનીઓને લખેલા પત્રમાં ઇરડાએ કહ્યું કે વાહનોના વાર્ષિક વીમાને બદલે ત્રણ અને પાંચ વર્ષ માટે વીમા પર વિચાર કરવો જોઇએ. આના લીધે પ્રીમીયમના દર ઘટશે અને વધુને વધુ લોકો વાહનોના વીમા લેવા પ્રેરાશે.

હાલમાં થર્ડ પાર્ટી વીમો ફરજીયાત હોવા છતાં પણ પ૦%થી થોડા વધારે વાહનોનો જ વીમો થાય છે. ઇરડાએ આ સ્થિતિને વાહન વહેવાર ક્ષેત્રે નુકસાનકારક ગણીને દીર્ધકાલીન પોલીસી આપવાની સલાહ આપી છે. ઇરડાની સલાહ છે કે વીમા પોલીસી ફોર વ્હીલર માટે ૩ વર્ષ અને ટુ વ્હીલર માટે પાંચ વર્ષની હોવી જોઇએ. જોકે અમુક કંપનીઓ ત્રણ વર્ષની મુદતની પોલીસી આપે જ છે.

ઇરડાની વાત માનવામાં આવે તો લાંબી મુદતની વીમા પોલીસીને લીધે પ્રીમીયમ ધટવાની સાથે પોલીસી ધારકોને બીજા ઘણા લાભ મળશે. જેના કારણે વધુને વધુ લોકો વીમો કરાવશે કેમ કે તેમને દર વર્ષે રીન્યુ નહીં કરાવવો પડે. બીજુ આના લીધે પ્રીમયમ દરોમાં સ્થાયીત્વ આવશે અને વાહન માલીકોને પ્રીમીયમના દરોમાં થતો વારંવારનો વધારો નહીં ભોગવવો પડે.

એ જ રીતે વીમા કંપનીઓને પણ ફાયદો થશે કારણ કે વાહનોના વીમાની સંખ્યા વધશે તો તેને દાવાની રકમની પડતર કિંમતમાં ઘટાડો થશે.

ઇરડાનું કહેવું છે કે જો વીમા કંપનીઓ લાંબી મુદતના વીમા ઉતારવાનું નક્કી કરે તો ઇરડા તેના પ્રીમીયમ નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેશે. (૮.૬)

(10:09 am IST)