Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાના કપરાકાળમાં બિહારમાં ઓક્સીઝન કૌભાંડ : કોર્ટે કહ્યું, ભગવાન પણ માફ નહીં કરે

150 સિલિન્ડરની જરુર હતી, ત્યાં 348 ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ

કોરોના મહામારીના આ સમયમાં બિહારના સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કંઇક અલગ જ ખેલ ચાલી રહ્યો છે. PMCHમાં જેટલા ઓક્સિજનનો ઉપયોગ થઇ રહ્યો છે, તેના કરતા વધારે ઓકેસ્જનનો હિસાબ આપવામાં આવી રહ્યો છે. પટના હાઇકોર્ટના નિર્દેશ બાદ જે કમિટિ બની તેણે આ ગોટાળો પકડ્યો છે.

કોર્ટમાં જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં ખુલાસો થયો છે કે 21 એપ્રિલથી 2 મે વચ્ચે 150 સિલિન્ડરની જરુર હતી, તેન સામે ત્યાં 348 ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ થયો. જે કોર્ટ મિત્રએ આ રિપોર્ટ રજૂ કર્યો છે તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે આ અંગે એક સ્વતંત્ર કમિટિ પાસે તપાસ કરાવવામાં આવે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસના ચાર્ટ પ્રમાણે ત્યાં દર્દીઓની સંખ્યા 127 હતી. આ 127 લોકોને 24 કલાકમાં વધારેમાં વધારે 150 ઓક્સિજન સિલિન્ડરની જરુર હતી. જેની સામે ચાર્ટ પ્રમાણે 348 સિલિન્ડરનો વપરાશ થયો.

સાથે જ ક્યા દર્દી પર કેટલા સિલિન્ડર વપરાયા તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પહેલા કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે PMCHમાં ઓક્સિજનની ખપત આટલી વધારે કેમ છે? કોર્ટે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારીની શંકા વ્યક્ત કરીને કોર્ટ મિત્ર મૃગાંક મૌલીને આ અંગે તપાસ કરવા કહ્યું હતું. ત્યારે આ અંગેની સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો કોર્ટ આજે આ અંગે કાર્યવાહી નહીં કરે તો ભગવાન પણ માફ નહીં કરે.

કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારીને સાચી માનીને કોર્ટ આગળ ચાલતી રહી પરંતુ હકીકત કંઇક અલગ જ હતી. રાજ્ય સરકારે ગત 26 નવેમ્બરે કોર્ટને કહ્યું હતું કે કોરોના મહામારી સામે લડવા માટે સરકારે તમામ સુવિધા કરી લીધી છે, પરંતુ આજે ખબર પડી કે સરકારની તૈયારી કેવી છે

(11:33 pm IST)