Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

યુનોએ ૧૦૦૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત વસ્તુ મોકલી

ભારત કોરોનાના ભયંકર પ્રકોપનો સામેે લડી રહ્યું છે :૧ કરોડ મેડિકલ માસ્ક મોકલ્યા, યુનિસેફ ભારતને કોરોના વેક્સિન રાખવા 'કોલ્ડ ચેન' ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવી

નવી દિલ્હી, તા. ૭ : ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારતમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશની મોટા ભાગની હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન અને અન્ય જરૂરી મેડિકલ સામગ્રીઓની અછત વર્તાઈ રહી છે. જો કે, ભારતના કોરોના સામેના જંગમાં અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.

અનેક દેશ અને વિદેશી એજન્સીઓ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય મોકલી રહી છે. તેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓએ પણ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે ભારતને આશરે ૧૦ હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલી આપ્યા છે. આ સાથે જ આશરે ૧ કરોડ મેડિકલ માસ્ક પણ મોકલી આપ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'સંયુક્ત રાષ્ટ્રનું દળ ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય અને સ્થાનિક બંને સરકારોનો સહયોગ કરી રહ્યું છે. યુનિસેફ, ડબલ્યુએચઓ, યુએનએફપીએએ આશરે ૧૦,૦૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર, ૧ કરોડ મેડિકલ માસ્ક અને ૧૫ લાખથી વધારે ફેસ શિલ્ડ ભારતને મોકલ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના દળે વેન્ટિલેટર અને ઓક્સિજન ઉત્પાદન સંયંત્ર પણ ખરીદ્યા છે.

યુનિસેફ ભારતને કોરોના વેક્સિન રાખવા માટે 'કોલ્ડ ચેન' ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. દુજારિકના કહેવા પ્રમાણે તેમના સહાયક દળે ભારતને ટેસ્ટિંગ મશીન અને પીપીઈ કીટની સાથે થર્મલ સ્કેનર પણ મોકલ્યા છે. યુનિસેફ અને યુએનડીપી ભારતમાં ૧,૭૫,૦૦૦ કરતા વધારે વેક્સિનેશન કેન્દ્રના મોનિટરીંગમાં પણ મદદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડબલ્યુએચઓના અહેવાલ પ્રમાણેસમગ્ર વિશ્વના કોરોના વાયરસના ૪૬ ટકા કેસ ભારતમાંથી નોંધાયા છે. ગત સપ્તાહે આ મહામારીથી સમગ્ર વિશ્વમાં જીવ ગુમાવનારા લોકો પૈકી ૨૫ ટકા લોકોના મોત ભારતમાં થયા હતા.

(7:42 pm IST)