Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ચંપકનગરની ૮૫II લાખની લૂંટનો ભેદ ખોલતી ક્રાઇમ બ્રાંચઃ હરિયાણાથી ૪ રાજસ્થાનીને દબોચી લીધાઃ લૂંટેલો માલ કબ્જે

ધોલપુર રાજસ્થાનના અવિનાશ ઉર્ફ ફૌજી અને શુભમ કુંતલને અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે સુરેન્દ્ર સાથે રાજકોટ આવ્યાઃ શુભમના મિત્ર રામહરિએ મુંબઇના બિકેશનો સંપર્ક કરાવ્યોઃ બિકેશે ચંપકનગરમાં રૂમની વ્યવસ્થા કરી દીધીઃ એ પછી પાંચયે ૨૬/૪ના શીવ જ્વેલર્સમાં લૂંટ કરી ભાગ્યા : ક્રાઇમ બ્રાંચની ટીમોએ સતત આઠ દિવસ સુધી હરીયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ આસપાસ તપાસ કરીઃ છેલ્લે હરિયાણાથી દબોચ્ચાઃ પાંચમો આરોપી સતિષ ઠાકુર હાથમાં ન આવ્યોઃ હથીયારોની વ્યવસ્થા તેણે કરી આપી હતી : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં ટીમોએ સતત જહેમત ઉઠાવી અને સફળતા મળી

વેલડનઃ શહેર પોલીસે સામા કાંઠે ચંપકનગરમાં થયેલી ૮૫II લાખની લૂંટનો ભેદ ઉકેલી ચાર રાજસ્થાની શખ્સોને હરિયાણાથી દબોચી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે. તસ્વીરમાં માહિતી આપી રહેલા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપીશ્રી પ્રવિણકુમાર મીણા, ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમશ્રી ડી.વી. બસીયા, એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ પી. એમ. ધાખડા, એસ. વી. સાખરા,  પી. બી. જેબલીયા, યુ. બી. જોગરાણા, એમ. વી. રબારી, વી. જે. જાડેજા, બી. બી. કોડીયાતર, પી. બી. તરાજીયા તથા સમગ્ર ટીમ અને ઝડપાયેલા લૂંટારૂઓ તથા કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: સામા કાંઠે ચંપકનગર-૩માં ૧૧ દિવસ પહેલા ૨૬મીએ બપોરે ત્રણેક વાગ્યે શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ત્રણ લૂંટારૂઓએ વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ને ચાંદીની વીંટી બતાવવાનું કહ્યા બાદ માર મારી લમણે રિવોલ્વર તાંખી રૂ. ૮૨,૨૬,૯૦૦ના ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના તથા ૨,૫૦,૦૦૦ના ૨ કિલો ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની મત્તાની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી.  લૂંટારૂઓએ જતાં જતાં વેપારી મોહનભાઇને શો રૂમની વિશાળ તિજોરીમાં પુરી દીધા હતાં. આ ઘટનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની ટીમોએ ઉકેલી નાંખી આંતર રાજ્ય લૂંટારૂ ટોળકીના ૪ શખ્સોને લૂંટના મુદ્દામાલ સાથે હરિયાણાથી પકડી લીધા છે. જેમાં એક પૂર્વ (ભાગેડૂ) ફૌજી પણ સામેલ છે. તેણે અત્યાર સુધીમાં લૂંટના અનેક ગુના આચર્યા છે.

ક્રાઇમ બ્રાંચે ચાર લૂંટારા અવિનાશ ઉર્ફ ફૌજી ઉત્તમસિંગ બ્રહ્માસિંગ સિકરવાર  (ઉ.વ.૨૩-રહે. ઘરડઘરપુરા મહોલ્લા, ધોલપુર રાજસ્થાન), શુભમ સોવરનસિંગ કુંતલ (ઉ.વ.૧૯-રહે. અજાન ભરતપુર રાજસ્થાન), સુરેન્દ્ર હમીરસિંગ ભરતાઇ (ઉ.વ.૨૦-રહે. બરતાઇ ગામ ભરતપુર રાજસ્થાન) તથા બિકેશ કમ્હેશરસિંગ પરમાર (ઉ.વ.૨૦-રહે. આંતરસુમ્હા ગામ તા. બસેરી જી. ધોલપુર રાજસ્થાન)ને દબોચી લીધા છે. જ્યારે પાંચમા આરોપી સતિષ સોવરનસિંગ ઠાકુર (રહે. સિધ્ધનગર કોલોની મોરેના મધ્યપ્રદેશ)ને પકડવાનો બાકી છે.

પકડાયેલા લૂંટારૂઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૬૧,૪૩,૮૪૧નું ૧૮૬૧ ગ્રામ અને ૭૭૦ મિલીગ્રામ સોનુ, રોકડા રૂપિયા ૯૪ હજાર મળી કુલ રૂ. ૬૨,૩૭,૮૪૧નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ગત રાતે એક ટીમ હજુ રાજસ્થાન ધોલપુર રોકાઇ હોઇ ત્યાંથી આ ટીમે વધુ ૨ કિલો ચાંદી કબ્જે રિકવર કર્યુ છે. લૂંટની આ ઘટનાનો ભેદ કઇ રીતે ઉકેલાયો? કઇ રીતે પોલીસે કામની વહેંચણી કરી ટીમો બનાવી કાર્યવાહી કરી? તે સહિતની વિસ્તૃત વિગતો અહિ આપી છે.

લૂંટ થયા પછી પ્રાથમીક કામગીરીની વહંેચણી 

૮૫ાા લાખની લૂંટની ઘટના બી-ડિવીઝનમાં દાખલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલા માર્ગદર્શન મુજબ કામની વહેંચણી કરવામાં આવી હતી. તે મુજબ ટેકનીકલ, સી.સી.ટી.વી. કેમેરા, ખાનગી બાતમીદારો તેમજ ગુન્હાહીત ઇતીહાસના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ બી-ડિવીઝન પોલીસ દ્રારા તપાસની શરૂઆત થઇ હતી.

મોડેસ ઓપરેન્ડીને આધારે તપાસ આગળ વધારાઇ

 સૌપ્રથમ ટેકનીકલ તેમજ ખાનગી બાતમીદારો દ્રારા તેમજ સદર આરોપીની ગુન્હો કરવાની એમ.ઓ. (મોડેસ ઓપરેન્ડી) પરથી નજીકના સમયમાં ગુજરાતમાં આ પ્રકારથી લુંટ થયેલ હોય તેની સંપુર્ણ માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામા આવેલ જેમા ગુજરાતના અન્ય શહેરો જેવાકે ભરૂચ, સુરતમાં પણ આવા પ્રકારની લૂટોના બનાવ બનેલા હતા જે આધારે સમાનતા મેળવી તે દીશામા તપાસ શરૂ કરવામાં આવી હતી.

લૂંટારા ચંબલ વિસ્તારના હોવાની માહિતી મળી

લૂંટની એમ.ઓ. તેમજ આરોપીઆનો શારીરિક બાંધો તેમજ પહેરવેશ ઉપરથી ઉપરી તેમજ અનુભવી અધીકારીઓની સુચના મુજબ તેમજ સી.સી.ટી.વી.થી મળેલ રૂટ ઉપરથી એેટલી વાત નકકી થયેલી કે આ લૂટ જે રીતે કરવામા આવેલી છે તે પ્રકારની લૂંટ કરવાની ટેવ ધરાવતા આરોપીઓ ગુન્હાઓરી માટે કુખ્યાત ચંબલ નદી કીનારે એટલે કે જયા અલગ અલગ પાંચ રાજયોની સરહદ કે વિસ્તાર નજીક પડે છે તેવા હરીયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ આસપાસના હોઇ શકે. તે વિસ્તારની ભૌગોલીક પરિસ્થીતીની જાણકારી મેળવી એ દીશામા તપાસ આગળ વધારવામા આવી હતી.

ફૂટેજને આધારે પાંચ આરોપીના સંભવીત નામો નક્કી કર્યા

આરોપીઓ અહી લુંટ કરી ગયેલ તેજ દીવસે રાત સુધીમા આરોપીઓનો મોરબી સુધીનો રૂટ નકકી કરી અને પાંચ આરોપીઓના ફુટેજ અલગ અલગ રીતે મળી આવેલ હોય પરંતુ કોઇના નામ ખબર નહતા પરંતુ આરોપીઓની ઓળખ ઉભી કરવા માટે અહીયાથીજ A B C D E એમ કોડવર્ડ આપી દેવામા આવેલ અને જેમ આરોપીઓની ઓળખ થતી જાય તેમ તેને નામ આપી શકાય.

ટીમને બીજા રાજ્યમાં મોકલતાં પહેલા પોલીસ કમિશનર ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કરતાં

આ લૂંટનો બનાવ બનેલ ત્યારથી  પોલીસ કમિશનરશ્રી તમામ નાનામાં નાની બાબતની માહીતી મેળવતા હતા અને આ ટીમો અન્ય રાજયમા તપાસમા મોકલતા પહેલા ત્યાના તમામ ઉપરી અધીકારીશ્રીઓ સાથે ખુદ તેઓ તમામ પ્રકારની મદદ મળી રહે તે પ્રકારનું સંકલન કરવામા આવેલ જેથી અન્ય રાજયમાં ત્યા તપાસમા ગયેલી ટીમાને પુરતો સપોર્ટ અને ટેકનીકલ મદદ મળી રહી હતી.

૮ દિવસ સુધી ટીમોએ બીજા રાજ્યોમાં ધામા નાંખ્યા

રાજકોટ પોલીસ અલગ-અલગ ટીમો બનાવી રાજસ્થાન, હરીયાણા, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ  રાજયમા તપાસ માટે રવાના થઇ હતી. ત્યારે આરોપીઓ બાબતની કોઇ માહીતી હતી નહી, જેથી અલગ અલગ ટીમોએ પોતાને મોકલવામા આવેલ પ્રદેશમાં સતત ૮ દીવસ સુધી ગુન્હા બાબતની માહીતી મેળવવા માટે દોડધામ કરી હતી.

આરોપીઓ ઓળખાયા પછી તમામ ટીમો હરિયાણા રેવાડી પહોંચી

આ કામે અલગ અલગ ટીમો તેઓને જણાવેલ રાજયમા પહોચી ત્યા સતત આઠ દિવસ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશન મા તેમજ તે વિસ્તારમા આ લુંટનો બનાવ બનેલ તે પ્રકાર ની મોડસ ઓપરન્ડી ધરાવતા ઇસમો બાબતે તપાસ કરેલ તેમજ આ એમ.ઓ. ધરાવતા ગુન્હાઓ દાખલ થયેલ છેલ્લા ૧૫ વર્ષના ગુન્હાઓના કેસ પેપર નો અભ્યાસ કરેલ તેમજ આવી એમ.ઓ. વાળા આરોપી હાલ કેટલા બહાર છે અને કેટલા જેલમા છે તેની પણ તપાસ કરવામા આવી ત્યારબાદ ટેકનીકલ સપોર્ટ તેમજ બનાવવાળી જગ્યાએથી મળી આવેલ સીસીટીવી ફુટેજો આધારે અને આ ટીમો દ્રારા ત્યા લોકલ ઉભુ કરવાનુ હયુમન ઇન્ટેલીજન્સ દ્રારા અમુક આરોપીઓની પ્રાથમીક ઓળખ થયેલ અને આરોપીઓ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના હોવાનુ જણાય આવેલ જેથી અન્ય તમામ ટીમાને હરીયાણાના રેવાડી ખાતે બોલાવી લેવામા આવેલ હતી અને તે આરોપીઓના એડ્રેસ અને નામ મળેલ  અને પાંચેય આરોપીઓના નામ સામે આવી ગયા હતાં.

આરોપીઓને આ રીતે પકડી લેવાયા

જેના નામ ખુલ્યા એ આરોપીઓ ફાયર આર્મસ સાથે લુંટ કરવાની ટેવાવાળા હોઇ જેથી આરોપીની તપાસમા બહાર રાજયમા જતા પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ જરૂરી ફાયર એમ્યુનેશન તથા બૂલેટ પ્રુફ જેકેટ સાથે લીધા હતાં. આરોપીઓની ઓળખ થઇ ગયા બાદ તેને પકડવા માટે સ્થાનીક પોલીસની STF ની ટીમોને સાથે રાખી જરૂરી કાર્યાવહી કરવામા આવી હતી.

પોલીસે વેશપલ્ટો કર્યો, સાહેબ-સર નહિ કહેવાનું હિન્દીમાં જ વાત કરવાની

તેમજ આ ઓપરેશનની ગુપ્તતા  જળવાઇ ંરહે અને આરોપીઓને કે સ્થાનિક માણસોને શંકા ન જાય તે માટે ત્યાંની સ્થાનિક ગાડીઓ ભાડે કરવાની વ્યવસ્થા કરવામા આવેલ અને ટીમના તમામ સભ્યો દ્રારા સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરવામા આવેલ અને બોલીચાલીમા પણ ગુજરાતી નહી પણ માત્ર હીન્દીમંાં જ વાતચીત કરતા હતા તેમજ અંદરો અંદર જે વાતચીત થતી તેમા પોતાના નામ નહી બોલવાનુ અને લોકલ નામ પરથી બધાને નામ આપી દીધેલ હતા અને કોઇએ એક બીજાને સાહબે/સર કહીને બોલાવવા નહી એટલી તકેદારી રાખવામા આવી હતી.

પહેલા બે પલવલથી બીજા બે હાઇવે પરથી પકડાયા

પ્રથમ બે આરોપી અવીનાશ તથા શુભમ રેવાડી (હરીયાણા)થી પલવલ (હરીયાણા) તરફ આવી રહયા છે તેવી ખાનગી રાહે સચોટ બાતમી મળતા ટીમના તમામ સભ્યો એડવાન્સમા પલવલમા પોતાની પોલીસ તરીકેને ઓળખ છુપાવી અને ગોઠવાઇ ગયા હતા અને આ બંને  પલવલ ખાતે પહોચતા તેને ચપળતાથી દબોચી લીધા હતાં.

પકડાયેલા લૂંટારૂઓએ ખુબ ઝપાઝપી કરી

આ દરમ્યાન આ બંન્ને આરોપીને જાણ થઇ જતા તેમણે પોલીસની પકડમાંથી ભાગવા માટે બહુજ ઝપાઝપી કરેલી પણ ટીમ પુર્વ તૈયારી સાથે હોવાથી તેમને ભાગવામા સફળતા મળી નહોતી. ત્યારબાદના અન્ય બે આરોપીઓ બીકેશ ઠાકુર અને સુરેન્દ્ર જાટ રેવાડી (હરીયાણા) ખાતે એકસપ્રેસ હાઇવે ઉપર હોવાની સચોટ બાતમી મળતા તમામ ટીમ પુર્વ તૈયારી સાથે તેમની પર ઓચીંતો એટેક કરી અને હાઇવે પરથી જ દબોચી લીધા હતાં.

ચાર આરોપીઓ પકડયા બાદ તેમણે પ્રથમ પુછપરછ દરમ્યાન તેમણે કોઇ આવો ગુન્હો નહી કર્યાની કબુલાત આપેલી પરંતુ ત્યારબાદ આરોપીઓની ઉંડાણ પુર્વક અને યુકિત પ્રયુકિતથી ઉપરી અધીકારી દ્રારા પુછપરછ કરવામા આવતા આરોપીઓ ભાંગી પડેલા અને લૂંટ કબુલી હતી.

આરોપી શુભમ અને ફૌજીની જેલમાં દોસ્તી થઇ

શુભમ અને અવિનાશ ઉર્ફ ફૌજીની દોસ્તી એક વર્ષ પહેલા જેલમાં થઇ હતી. ભરતપુર ખાતે શુભમને ક્રિષ્ના હથૈની નામના વ્યકિત સાથે સામાન્ય બોલાચાલીમાં માથાકુટ થયેલી અને સામ-સામા ફાયરીંગ થયા હતાં. જેમાં શુભમના મિત્ર નકુલનું મર્ડર થયેલ હતુ અને શુભમએ સામે ફાયરીંગ કરતા તેને ૩૦૭મા જેલમા જવુ પડેલ. ભરતપુર જેલમાં અવિનાશ ફૈાજી ૩૭૬ના કેસમાં જેલમાં હતો તેની સાથે મિત્રતા થયેલ હતી.

ઉપરાંત અવિનાશ ફૈાજીને આ જેલમાં લૂંટ કેસના આરોપી સતીષ ઠાકુર (રહે. મુરૈના-મધ્યપ્રદેશ) સાથે પણ ઓળખાણ થઇ હતી. આમ શુભમ, અવિનાશ અને સતિષ મિત્રો થયા પછી શુભમ જેલમાંથી છુટયા બાદ ભરતપુરમાં માથાકુટ થયેલ હોય અને પોતાની પાસે હથિયાર ન હોઇ જેથી તે પોતાના વિસ્તારમા રહી શકે તેમ નહોતો.

જેલમાંથી છુટ્યા પછી અકસ્માત નડ્યોઃ આરામ કરવા રાજકોટ આવ્યા'તા

આજથી આશરે  તારીખ ૧૮/ર/ર૧ના રોજ ધોલપુર પાસેના રાજખેરા ગામ પાસે શુભમ અને અવિનાશ  ઉર્ફ ફૈાજી અને બન્નેનો મિત્ર સોનુ ત્રણેય મોટર સાઇકલ લઇને જતા ત્યારે મોટરસાઇકલ સ્લીપ થઇ જતા સોનુનું ફેટલ અકસ્માતમાં મોત થઇ ગયું હતું. અવિનાશ અને શુભમને ઇજાઓ થયેલ હતી. જેથી શુભમ અને અવિનાશને આરામ કરવો જરૂરી હોય અને પોતાને દુશ્મની થયેલ હોય તેનાથી બચવા ભરતપુરની આજુબાજુમાં રહી શકે તેમ ન હોઇ અને તે અનેક ગુન્હામા વોન્ટેડ હતા જેથી પોલીસની પકડથી બચવા માટે પોતાની ઓળખ છુપાવા તેઓએ શુભમના મિત્ર રામહરી રહે. ધોલપુર વાળાનો સંપર્ક કરતા તેણે બીકેશ પરમાર (રહે. મુંબઇ)નો સંપર્ક કરાવેલ હતો. તેણે એક બે મહિના રાજકોટમાં રહેવા રૂમની વ્યવસ્થા કરાવી આપી હતી.

રાજકોટ ખાતે રહેણાક અને સારવાર

એ પછી શુભમ્, અવિનાશ અને સુરેન્દ્ર એમ ૨૧/૩/૨૧ના રોજ રાજકોટ બસ મારફત આવ્યા હતાં અને બીકેશ પરમારે કરેલી ગોઠવણ મુજબ પેડક રોડ ચંપકનગર-૧માં પીન્ટુભાઇ નામના વ્યકિતના ભુમી રોલ પ્રેસની બાજુમા આવેલ મકાનમા રહેવા લાગ્યા હતાંઉ આ મકાન બીકેશે ભાડેથી રાખેલુ હતું. અહિ એક છોકરો હતો તે ચાવી આપીને જતો રહ્યો હતો. એ પછી અવિનાશ અને શુભમે રાજકોટ સરકારી હોસ્પીટલમાં અકસ્માતની ઇજાની સારવાર કરાવીહતી.

લૂંટ કરી ભાગવા માટેની તૈયારીઓ શરૂ કરી

આરોપીઓ આમ તો સારવાર માટે આવ્યા હતાં પણ તમામની મુળ માનસિકતા લૂંટ કરવાની જ હતી. પોતે જ્યાં ભાડેથી રહેતાં એ ચંપકનગર વિસ્તારમા સોના-ચાંદીના ઘરેણાની દુકાનો આવેલ હાઇ આ તમામે પોતાની રૂમની નજીક આવેલ સોનીના દાગીનાના શો રૂમમાં લૂંટ કરવાનું નકકી કરેલ હતું.

 એ પછી નજીકમાં જયાંથી જમવાનું પાર્સલ લેવા જતા તે હોટલવાળાને રાજસ્થાન તરફ જવા માટે કયો રૂટ સરળ રહે તે બાબતે પુછપરછ કરતા અમદાવાદ અને મોરબીથી તે તરફ જઇ શકાય તેવી માહિતી મેળવી લીધી હતી અને લૂંટ કર્યા બાદ મોરબી તરફથી જવાનુ નકકી કર્યુ હતું.

બિકેશ મુંબઇથી રાજકોટ આવ્યોઃ સતિષ એમપીથી હથીયાર લાવ્યો

લૂંટ બાદ મોરબી માળીયા અને ત્યાથી રાજસ્થાનનો રૂટ પહેલેથી નકકી કરી રાખેલ હતો. ત્યાર પછી તા. ર૪/૪/ર૧ના રોજ બીકેશ મુંબઇથી રાજકોટ આવેલ હતો બાદ આ લોકો પાસે હથીયાર ન હોવાથી તેમણે સતીષનો કોન્ટેક કરેલ હોય અને અગાઉ નકકી થયા મુજબ સતીષ લૂટના આગલા દીવસે મધ્યપ્રદેશ મોરેનાથી રૂપીયા તથા જરૂરી હથીયાર લઇને રાજકોટ આવેલ હતો અને પાંચેય જણાએ લુંટ કરવાનુ નકકી કરેલ હતુ

સવારે ૧૧ વાગ્યે બિકેશ વીંટી લેવાના બહાને રેકી કરી આવ્યો'તો

બધી તૈયારી થઇ ગયા પછી તા.૨૬/૦૪/૨૦૨૧ ના રોજ પાંચેય આરોપીઓએ અલગ-અલગ ગ્રુપમા શીવ જવેલર્સની આજુબાજુ રેકી કરેલ અને કલાક ૧૧/૦૦ વાગ્યા આસપાસ આરોપી બીકેશ વીટી લેવાના બહાને શીવ જવેલર્સમા જઇને રેકી કરી આવેલ હતો અને લુંટ કરવાના થોડા સમય પહેલા નજીકમાંથી બીકેશ તથા અવીનાશએ મોટર સાઇકલની ચોરી કરી હતી.

બપોરે સતિષ, શુભમ્ અને સુરેન્દ્ર હથીયાર સાથે ત્રાટકયા'તાઃ બિકેશ-અવિનાશ બહાર ઉભા હતાં

એ પછી બપોરના આશરે ત્રણેક વાગ્યે શીવ જવેલર્સમાં સતીષ, શુભમ, અને સુરેન્દ્ર એમ ત્રણેય હથીયાર સાથે અંદર ગયેલ અને બાકીના બીકેશ તથા અવિનાશ બહાર રેકી કરતા હતા અને ઉપરોકત ત્રણેય આરોપીઓ શો-રૂમમા જઇ ચાંદીની વીટી ખરીદવા માટે પુછપરછ કરી અને જયારે દુકાનદાર તેને વીટી બતાવતા હતા તે દરમ્યાન ત્રણેય ઇસમોએ કાઉન્ટર ટેલબ ટપી ફરીયાદીને પકડી રાખી માર મારી પીસ્ટલ હથિયાર બતાવી ધમકી આપી શો રૂમમાં રહેલા સોનાના અલગ-અલગ દાગીના તથા ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા એમ મુદામાલની લુંટ કરી ફરીયાદીને શો-રૂમની તીજોરીમાં પુરી બહારથી લોક કરી બહાર નીકળી ગયા હતાં.

લૂંટેલા માલના બહાર નીકળી ભાગ પાડી લીધા

લુંટેલા દાગીનામાંથી ત્રણેયે અમુક મુદામાલ પોતાની પાસે રાખી અને નાકાબંધીમા કે બીજે કયાય પકડાય જાય તો મુદામાલ ન આપવો પડે તે માટે બાકીનો મોટા ભાગનો બીજો મુદામાલ અન્ય રેકી કરતા બીકેશ અને અવીનાશને આપી દીધેલ અને પોતે ત્રણેય મોટર સાયકલ લઇ થેલા સાથે મોરબી તરફ ભાગ્યા હતાં.

ત્રણ જણા લૂંટ કરી ભાગ્યા પછી બે આરોપી પોલીસ આવી એ કામગીરી નિહાળતા રહ્યા!

એ પછી અવિનાશ અને બીકેશે પોતાના ભાડાના મકાને જતા રહેલ અને ત્યા મુદામાલ રૂમમા મુકી બાદ બહારની પોલીસ તેમજ અન્ય વ્યકિતની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા તે દરમ્યાન થોડા સમય પછી જોતા બહુ મોટા પ્રમાણ મા પોલીસ નો કાફલો આવી ગયેલ જેથી આ બંન્નેને પકડાઇ જવાની બીક લાગતા પોતે મુદામાલ ત્યા રૂમમા માંજ રાખી તે જગ્યાએ થી થોડે દુર જઇ અગાઉ નકકી થયા મુજબ ઓટો રીક્ષા મારફતે બસ સ્ટેન્ડે જઇ બસ મારફતે મોરબી ગયા હતાં.

બાઇક રેઢુ મુકી રિક્ષામાં મોરબી ગયાઃ ઇકોમાં માળીયા અને ત્યાંથી રાજસ્થાન રવાના થયા

તેમજ સતીષ, શુભમ તથા સુરેન્દ્ર જે મોટરસાયકલ લઇને મોરબી તરફ ગયેલ તે  મોરબી પહેલા વીરપર ગામ પાસે મોટર સાઇકલ રોડ નીચે મુકી ત્યાથી સીએનજી ઓટો રીક્ષામાં મોરબી બસ સ્ટેન્ડ ગયેલા જયાં પાંચેય જણા અગાઉથી નકકી થયા મુજબ ભેગા થયેલા જયાં સતીષે કપડા બદલાવી લીધેલા હતા અને મોરબીથી ઇકકો ભાડે કરી માળીયા ગયેલા જયાં રાજસ્થાનની બસમા બેસી ઉદયપુર, જયપુર, ત્યાથી દીલ્હી પહોંચ્યા હતાં.

દિલ્હીથી હરિયાણા જઇ છુટા પડ્યાઃ પેઇંગ ગેસ્ટ રહ્યા

દીલ્હીથી પલવલ હરીયાણા ગયેલા અને ત્યાંથી ભીવાડી આવેલા અને ત્યાંથી બધા છુટા પડેલા હતા અને તે બાદ અવિનાશ અને શુભમ રેવાડી (હરીયાણા) ખાતે પેઇગ ગેસ્ટ તરીકે રહેવા લાગેલા હતા. અંતે રાજકોટ પોલીસની ટીમો હરિયાણા પહોંચી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતાં. એક આરોપી સતિષ હજુ હાથમાં આવ્યો ન હોઇ ટીમ રાજસ્થાન

કામગીરી કરનાર ટીમ

ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા બી ડીવીઝનના પો.ઇન્સ. એમ. બી. ઐસુરા તથા ડીસીબી પીએસઆઇ પી.એમ.ધાખડા, પી.બી.જેબલીયા, એસ.વી.સાખરા, એમ.વી.રબારી, યુ.બી.જોગરાણા, વી.જે.જાડેજા તથા બી- ડીવીઝનના પીએસઆઇ પી. બી. તરાજીયા તથા બી. બી. કોડીયાતર તથા ડીસીબીના હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ક્રીપાલસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ,વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી,દેવરાજભાઇ કાળોતરા તથા કોન્સ. સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા,પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, પુષ્પરાજસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ તથા બી ડીવીઝનના એએસઆઇ વીરમભાઇ ધગલ તથા સીરાજભાઇ ચાનીયાએ આ કામગીરી કરી હતી.

તપાસમાં ગયેલી ટીમોએ નક્કી કરેલુ કે ગુનો ડિટેકટ ન થાય ત્યાં સુધી રાજકોટ પાછુ ન આવવું

કોન્સ્ટેબલ સુભાષભાઇના દાદીમા અવસાન પામ્યા, તેમના પિતા અને મોટા બાપુને કોરોના થયો છતાં તેમણે ફરજને વધુ મહત્વની ગણી

.તપાસમા ગયેલી તમામ ટીમોએ નકકી કરેલુ કે આરોપી ન પડકાય ત્યા સુધી રાજકોટ પરત આવવાનુ નથી. આ દરમ્યાન પોલીસ કોન્સટેબલ સુભાષભાઇના દાદીમા કોરોનાના લીધે અવસાન પામ્યા હતાં. તેમજ તેના પિતા તથા તેના મોટાબાપુને કોરોના પોઝીટીવ આવેલ તેમ છતાં પણ તેઓ પોતાની ફરજને વધારે મહત્વ આપી પરત આવ્યા નહોતાં અને લૂંટારૂઓને પકડી પાડવાના ઓપરેશનમાં જોડાયેલા રહ્યા હતાં.  આમ તેમણે પોતાની ગજબની ફરજ નિષ્ઠા દેખાડી હતી.

જે લૂંટારૂઓને અન્ય રાજ્યમાં પણ પકડવાના બાકી હતાં તેને રાજકોટ પોલીસે દબોચ્યાઃ ઇનામ માટે સરકારમાં પ્રપોઝલ

લૂંટારૂ આંતર રાજ્ય ગુનેગાર છે. અન્ય રાજ્યોની પોલીસ પણ આ શખ્સોને શોધતી હતી. તેને રાજકોટ પોલીસે પકડી લીધા છે. આ સારી કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સરકારમાં ઇનામ આપી પ્રોત્સાહીત કરવા માટે પ્રપોઝલ કરવામા આવશે.

સુત્રધાર અવિનાશ ૨૦૧૬માં આર્મીમાં ભરતી થયેલો, ૨૦૨૦માં બળાત્કારના ગુનામાં લગ્નના બીજા જ દિવસે જેલ થઇઃ જેલમાં ગુનેગાર મિત્રો બન્યાઃ છુટ્યા પછી ગુનાખોરીના રસ્તે વળ્યોઃ સોૈ પહેલા ૯૧ હજારની લૂંટ કરી

ઝડપાયેલા ચારેય રીઢા ગુનેગારો છેઃ અવિનાશ ઉર્ફ ફૌજી અગાઉ તા.૧-૮-૧૬ના રોજ આર્મીમાં ભરતી થયો હતો. ચાલુ નોકરીમાં ૧૦/૫/૨૦ના રોજ લગ્ન હોઇ રજા લઇ વતનમાં આવ્યો હતો. પરંતુ ૮/૫/૨૦ના રોજ જુની સ્ત્રી મીત્રએ બળાત્કારનો આરોપ મુકી ફરિયાદ દાખલ કરાવતાં લગ્નના બે જ દિવસમાં તેની ધરપકડ થતાં જેલમાં ગયો હતો. ખુબ જ બદનામી થઇ હતી. જેલમાં સતિષ સિકરવાર, શુભમ, કુંતલ, રામહરી, પ્રબલ પ્રતાપ ઠાકુર જેવા શખ્સો મળ્યા અને જેલમાંથી છુટ્યા પછી બધુ ગુમાવી ચુકયો હોઇ ગુનાહિત પ્રવૃતિ તરફ વળ્યો હતો. સોૈ પહેલા તેણે સોપુમાં પોતાના મિત્ર રાકા, ગોપાલ, સતિષ સાથે મળી ૯૧ હજારની લૂંટ કરી હતી. બીજી લૂંટ ગ્વાલીયરમાં ૧.૨૦ લાખની મુરેના ગ્વાલીયર હાઇવે પર પેટ્રોલ પંપ ખાતે કરી હતી. એ પછી મિત્ર રામહરીની સામેની ટોળકીની માથાકુટમાં ફાયરીંગ કરેલું. એ પછી રામહરીના ગામમાં બોલેરો ગાડી પર ફાયરીંગ કર્યુ હતું, એ પછી રાકા સાથે મળી ધોલપુર-આગ્રા હાઇવે પર અપાચે બાઇકની લૂંટ કરી હતી, મુરેના મધ્યપ્રદેશમાં મની ટ્રાન્સફરની ઓફિસમાં રામહરી, પ્રબલ, નાનુ, શુભમ, સતિષ સાથે મળી લૂંટ કરેલી, સુરતની ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટ કરી હતી.

શુભમ સામે હત્યા, મારામારી, લૂંટ, આર્મ્સ એકટના ગુના

અન્ય આરોપી શુભમ કુંતલ સામે હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, લૂંટ, ચોરી સહિતના ૧૧ ગુના રાજસ્થાનના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તથા સુરતમાં નોંધાયા છે. છેલ્લો ગુનો રાજકોટમાં નોંધાયો છે. જ્યારે સુરેન્દ્ર સામે રાજસ્થાનમાં ૨૦૧૮માં આર્મ્સ એકટ અને હત્યાના ગુના નોંધાયા હતાં.

બિકેશ પરમાર અગાઉ રાજકોટ સિધ્ધેશ્વર કાર્ગોની ઓફિસની જવાબદારી સંભાળતો હતો. તે મુંબઇ પણ કામ કરી ચુકયો છે. જ્યારે ટોળકીનો મુખ્ય સાગ્રીત રામહરીનો તે ભત્રીજો થાય છે. રામહરી સુરતની લૂંટમાં વોન્ટેડ છે અને યુપી પોલીસના ફાયરીંગમાં તેના બંને પગમાં ગોળી લાગી હોઇ તે હાલ જેલમાં છે. સતિષ ટોળકી માટે હથીયારની વ્યવસ્થા કરે છે. તે બીજા ૧૫ ગુનામાં સંડોવાયેલો છે.

(3:10 pm IST)