Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રાજકોટમાં આજે ૫૯ મોતઃ નવા ૧૬૮ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૨ પૈકી ૧૧ કોવીડ ડેથ થયા શહેરનો કુલ આંક ૩૬,૬૦૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૨,૬૭૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૯.૬૬ ટકા થયો

રાજકોટ,તા.૭: શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગઇકાલે ૬૨ મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૫૯નો ભોગ લીધો છે. જયારે શહેરમાં બપોર સુધીમાં  ૧૬૮ કેસ નોંધાયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.૬નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.૭સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના ૫૯ દર્દીઓના મોત નિપજ્યા હતા .

ગઇકાલે ૬૨ પૈકી ૧૧મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૫૧૩ બેડ ઉપલબ્ધ છે.

 નોંધનીય છે કે,  શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગતા  શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૫૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. 

બપોર સુધીમાં કોરોનાના ૧૬૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૬,૬૦૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૨,૬૭૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૭,૭૨૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૨૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૮૧ ટકા થયો  હતો. જયારે ૫૧૪ દર્દીઓ સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૪૦,૪૯૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૬,૬૦૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૫૪૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:12 pm IST)