Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દેશમાં ૮ જાન્યુઆરી પછી નથી થયો રાષ્ટ્રીય સીરો સર્વે

હર્ડ ઈમ્યુનીટી તરફ આગળ વધી રહેલા દેશમાં મોટાપાયે સીરો સર્વે જરૂરી

નવી દિલ્હી, તા. ૭ :. મહામારીની સ્થિતિની ભાળ મેળવવામાં સીરો સર્વે એક મહત્વની ભૂમિકા ભજવે છે પણ સંક્રમણની બીજી લહેરમાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) આ અંગે ચર્ચા પણ નથી કરી રહી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે હાલમાં જ દિલ્હી એઈમ્સના ડાયરેકટર કહી ચૂકયા છે કે દેશમાં મોટી વસ્તી કોરોના સંક્રમણની ઝપટમાં આવી ચૂકી છે.

દેશ એક રીતે હર્ડ ઈમ્યુનીટી તરફ આગળ વધી રહ્યો છે પણ વર્તમાન સ્થિતિ જોતા હર્ડ ઈમ્યુનીટી પણ બિનઅસરકારક દેખાઈ રહી છે, એટલે તાત્કાલિક મોટાપાયે સીરો સર્વેની જરૂરીયાત છે.

આઈસીએમઆર તરફથી આ અંગે કોઈ માહિતી નથી અપાઈ પણ આઈસીએમઆરના મેનેજીંગ ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવ બીજી લહેર આવતા પહેલા જ સંકેત આપી ચૂકયા હતા કે વસ્તીના એક મોટાભાગને કોરોના સંક્રમણનું જોખમ છે.

તેમને આ સંકેત સીરો સર્વે દ્વારા જ મળ્યા હતા. માહિતી અનુસાર આઈસીએમઆરે અત્યાર સુધીમાં ત્રણ વાર સીરો સર્વે કર્યો છે. ત્રીજો સર્વે ગયા વર્ષે ડીસેમ્બર અને આ વર્ષની ૮ જાન્યુઆરી સુધી કર્યો હતો. તેના દ્વારા સરકારને સાબિતીઓ મળી હતી કે ૧૦ વર્ષ અથવા તેનાથી વધારે વયની ૨૧ ટકા વસ્તી સંક્રમણના વ્યાપમાં આવી ચુકી છે. ૭૦૦ જગ્યાઓએ કરાયેલ આ સર્વેમાં ૨૮૫૮૯ લોકોના સેમ્પલ લઈને તપાસ કરાઈ હતી. આ દરમ્યાન ૨૧.૪ ટકા લોકોમાં એન્ટીબોડીઝ જોવા મળ્યા હતા.

નવી દિલ્હી ખાતેના મહામારી નિષ્ણાંત ડો. દિવ્યેન્દુ મિશ્રનું કહેવુ છે કે દેશમાં તાત્કાલિક ચોથા સીરો સર્વેની જરૂર છે કેમ કે આ વખતે મહામારી દેશના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઈ છે.

(11:45 am IST)