Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દેશમાં માત્ર ૫૦ ટકા લોકો પાંચ કે તેથી વધુ વાર હાથ ધોતા નથી

અમેરિકાની પોલિંગ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વિગતો બહાર આવી : વિશ્વમાં કરોડો લોકો હાથ સાફ રાખવા માટે પાણી અને સાબુની સુવિધાથી વંચિત છે

ન્યૂયોર્ક, તા.૭:  કોરોનાની મહામારીથી બચવા માટે સામાજીક અંતર અને  હાથ ધોવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહયો છે ત્યારે ભારત દેશમાં ૫૦  ટકાથી પણ વધુ લોકો    પાંચ કે તેથી વધુ વાર માટે હાથ ધોતા નથી  એવું અમેરિકાની જાણીતી એક પોલિંગ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે  એટલું જ નહી સર્વેક્ષણ મુજબ ભારત દુનિયાના  એ ૧૦ દેશોમાં સામેલ છે જયાંના લોકો સૌથી ઓછી વાર હાથને સ્વચ્છ રાખે છે. વૈશ્વિક સર્વેમાં કેટલી વાર સેનિટાઇઝરનો ઉપયોગ થાય છે એ અંગે  પુછવામાં આવતા ૫૮ ટકા લોકોએ એવું માન્યું હતું કે તેઓ પાંચ કે પાંચ કરતા વધુ વાર સેનિટાઇઝરનો પ્રયોગ કર્યો છે. જયારે બે ટકા તો એવા લોકો હતા કે જેઓ દિવસમાં એક પણ વાર હાથ ધોતા ન હતા.  ટકાવારીની દ્વષ્ટીએ ૨ ટકા આંકડો ભલે  નાનો લાગે પરંતુ વસ્તીની રીતે જોઇએ તો તે ૮.૬ કરોડ જેટલો થાય છે. સર્વે  જણાવ્યા અનુસાર દુનિયામાં પુરુષોની સરખામણીમાં મોટા ભાગની મહિલાઓ પાંચ કે તેનાથી વધારે વાર હાથ ધૂએ છે.  ૬૪ ટકા મહિલાઓ સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે જયારે પુરુષોમાં આની ટકાવારી ૫૨ ટકા છે. સ્વચ્છતાને લગતી ટેવોને શિક્ષણ સાથે પણ જોડવામાં આવી હતી.

અહેવાલમાં જણાવ્યા મુજબ ડેન્માર્ક અને નોર્વે દેશના ૯૪ ટકા લોકો વારંવાર હાથ ધૂવે છે અને સેનિટાઇઝરનો પ્રયોગ કરે છે બીજી બાજુ માલી જેવા દેશમાં માત્ર ૨૧ ટકા લોકો જ હાથ ધૂએ છે.  જે દેશોમાં સૌથી વધારે વસ્તી ઓછા હાથ ધૂવે છે તેમાંના મોટા ભાગના એશિયા અને આફ્રિકા ખંડના છે.  એ પણ ખરુ કે આ બે ખંડના દેશોની વસ્તીનો ખૂબ મોટો ભાગ  સ્વચ્છ પાણી અને હાથ ધોવા માટેના સાબુ જેવી પાયાની સુવિધાથી વંચિત છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર દુનિયામાં અંદાજે ૩૦૦ કરોડ લોકો હજુ પણ હાથ ધોવા જેવી સાવ પાયાની સુવિધા જેવી કે પાણી અ સાબુ મેળવી શકતા નથી. કેટલાક દેશો તો એવા છે જયાંના લોકોને શુધ્ધ પાણી માટે કલાકો સુધી ચાલવું પડે છે. નવાઇની વાત તો એ છે કે દુનિયાના દર ત્રણમાંથી એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં હાથ ધોવાની વ્યવસ્થા ન હતી. માલી દેશને ઉદાહરણ તરીકે લઇએ તો આ દેશની કુલ વસ્તી ૨ કરોડ આસપાસ છે જેમાંથી ૯૦ લાખ લોકો પાસે સ્વચ્છતા સંબંધી પાયાની સુવિદ્યાઓનો સદંતર અભાવ છે. આવી જ રીતે સેનેગલ કે જયાં ૨૪ ટકા વસ્તી જ માત્ર ચાર થી પાંચ વાર હાથ ધૂએ છે. અહીંયા રહેનારા ૧.૨ કરોડ લોકો સ્વચ્છતા સંબંધી પાયાની સુવિધાઓથી વંચિત છે.

ભારતમાં હાથ ધોવા બાબતે ચાર રાજચોમાં થયેલા એક સ્ટડીમાં ૩૩ ટકા લોકો હાથ ધોવા માટે પાણીની અછતને જવાબદાર ગણાવી હતી.  જે લોકો પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેમાંના ૪૮ ટકા જયારે ગ્રેજયુએટ કે તેનાથી વધુ ભણેલા ૭૩ ટકા પાંચ કે તેના કરતા વધુ વાર હાથ ધોવાની ટેવ ધરાવતા હતા. એવી જ રીતે શહેરી ક્ષેત્રોમાં ૬૩ જયારે ગ્રામીણ વિસ્તારોમાં ૫૪ ટકા લોકો દિવસમાં પાંચ કે વધુ વાર હાથ ધોવાની આદત ધરાવતા હતા. કોરોના મહામારીમાં હાથ ધોવાની આદત ન હોવી એ મહામારી ફેલાવવા માટે સૌથી ખતરારુપ છે. કોરોના જ નહી કોઇ પણ સંક્રામક બીમારી ફેલાવાનો ભય વધારે રહે છે.

(10:09 am IST)