Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કેરળ બાદ હવે વિશાખાપટ્ટનમથી નૌ-સેનાના ર૬ સભ્યો કોરોના દર્દીની સારવાર કરશેઃ ૭ ડોકટરોનો સમાવેશ

ગુજરાત યુનિ.ના કન્વેશન સેન્ટરમાં ઉભી કરાયેલ કોરોના હોસ્પીટલમાં મૂકાયા : અમદાવાદમાં હવે કુલ ૮૩ નૌ-સેનાના જવાનો સારવાર આપશે

અમદાવાદ તા. ૭ :.. રાજયમાં કોરોના બેકાબુ બન્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. બેડ, ઓકિસજન, વેન્ટીલેટર મળતા નથી. દર્દીઓની સારવાર કરવા માટે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની પણ ખૂબ અછત છે. તેવા સંજોગોમાં તાજેતરમાં ભારતીય નૌ-સેનાની ટીમના કેરળના પ૭ સભ્યો અમદાવાદ આવ્યા બાદ હવે વિશાખાપટ્ટનમથી ર૬ મેડીકલ અને પેરામેડિકલની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને અમદાવાદ  DRDO દ્વારા ૯પ૦ બેડ ધન્વંતરી હોસ્પિટલમાં તમામ સ્ટાફની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પુરતો સ્ટાફ મળ્યો નથી. લોકોને હોસ્પિટલમાં દાખલ તો કરાય છે. પરંતુ ઓછા સ્ટાફના કારણે દર્દીને સારવાર આપવામાં ઘણી સમસ્યા ઉભી થાય છે.

આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે વિશાખાપટ્ટનમથી નૌ-સેના દ્વારા ર૬ સભ્યોની મેડિકલ ટીમને અમદાવાદ મોકલવામાં આવી છે. જેમાં ૭ ડોકટર, ર નસિંર્ગ ઓફીસર, ર પેરામેડિકલ અને ૧પ સપોર્ટીંગ સ્ટાફ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એકિઝબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧પ૦ આઇ.સી. યુ. બેડ છે, જયાં ૧પ૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ છે.

ઉપરાંત આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા છે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ -બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે.

(10:06 am IST)