Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

હવાઇમાં ૨૩૦ ફુટ સુધી લાવા ઉછળ્યો :૨૦૦૦નું સ્થળાંતર

સૌથી એકિટવ જવાળામુખી કિલાઉ ૧૯૮૩થી સતત લાવા ઓકી રહ્યો હતો અને આજે મોટા વિસ્ફોટ સાથે ફાટતા : લાવા અને ધૂમાડાના કારણે હવામાં સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું છેઃ ૩૦ ઘરોને નુકશાન

હોનાલુલુઃ હવાઇમાં કિલાઉ જવાળામુખીનો લાવા હવામાં ૨૩૦ ફૂટ સુધી ઉડી રહ્યો છે, આ ઉંચાઇ ૨૩ માળની બિલ્ડિંગ જેટલી છે. લાવાના કારણે અત્યાર સુધી ૩૦ જેટલાં ઘરોને નુકસાન પહોંચ્યું છે. લાવા અને ધૂમાડાના કારણે હવામાં સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ૨,૦૦૦ જેટલાં વધુ લોકોએ સ્થળાંતર કર્યુ છે. કારણ કે, હવે જેટલાં પણ લોકો આ એરિયામાં રહેશે તેઓને જીવનું જોખમ છે. નુકસાન થયેલાં ૩૦ ઘરોમાં હજુ સુધી કોઇ જાનહાનિ કે ઇજાઓના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ૨૪ કલાકમાં ૨૫૦થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. ૬.૯ની તીવ્રતાના આંચકાના કારણે કિલાઉ જવાળામુખી ફાટ્યો હતો.

 અમેરીકી જીઓલોજિકલ સર્વેના ઓફિસર્સના જણાવ્યા અનુસાર, જવાળામુખીમાં રાતો રાત બે નવી તિરાડો થઇ જતાં હવે તેમાં ૧૦ માર્ગો થઇ ગયા છે. શનિવાર રાત સુધી  એક જ તિરાડમાંથી લાવા નિકળી રહ્યો હતો.  વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કિલાઉ જવાળામુખીમાંથી વધુ લાવા નિકળવાની શકયતાઓ છે. કારણ કે વારંવાર આવતા ભૂકંપના કારણે તેમાં વધુ તિરાડો પડી રહી છે.

  લાવાના કારણે પ્યુનાના રૂરલ ડિસ્ટ્રિકટ લેલાની એસ્ટેટ્સને સૌથી વધુ જોખમ છે. ઓથોરિટીએ અહીંથી ૧૭,૦૦ સ્થાનિકોને અન્ય સ્થળે ખસેડ્યા છે.

  શનિવારે મોડી રાત સુધી ૨૪૦ લોકો અને ૯૦ પ્રાણીઓને અમેરિકન રેડ ક્રોસ ઓફ હવાઇ ઇમરજન્સી શેલ્ટરમાં ખસેડવામાં આવ્યા છે. હવાઇ ઓથોરિટીએ જાહેર કરેલા વીડિયો ફૂટેજમાં ઓરેન્જ માગ્મા (લાવા) આસપાસના એરિયામં ફેલાતો જોવા મળી રહ્યો છે. શનિવારે અહીં ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે છેલ્લામાં ૪૦ વર્ષમાં હવાઇ આઇલેન્ડ પર આવેલા ભૂકંપમાં સૌથી મોટો હતો.

  જીઓલોજિસ્ટના જણાવ્યા અનુસાર, માગ્મા કિલાઉના આસપાસના વિસ્તારોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઓથોરિટીએ આ વિસ્તારમાં સલ્ફર ગેસ ફેલાવાના કારણે અસંખ્ય લોકોના સ્વાસ્થ્યને જોખમ થવાની સંભાવનાઓ વ્યકત કરી હતી.

 કિલાઉ જવાળામુખી ૬ લાખ વર્ષ જૂનો છે. બુધવારે આ જવાળામુખીની પાસે ૨૪ કલાકમાં ૨૫૦થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. માઉન્ટ કિલાઉ જવાળામુખી ફાટ્યા બાદ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

 આ જવાળામુખી આસપાસના વિસ્તારો સુધી લાવા ઓકી રહ્યો છે અને સાથે જ ધૂમાડાના જાડા થર જોવા મળી રહ્યા છે. આ જ કારણોસર વિસ્તારના ૧૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

કિલાઉજવાળામુખીના (હલેમાઉમાઉ) ક્રેટરથી પૂ હાઓ વિસ્તારથી ઉકળતો લાવા બહારની તરફ નિકળવાનું શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં કિલાઉ જવાળામુખીનો લાવા લોકોના ઘર સુધી પહોંચી ગયો હતો. ઉકળતા લાવાના કારણે અનેક ઘરો પણ નષ્ટ થયા હતા.  જયારે ૨૦૧૬માંજવાળામુખીના શિખર પૂ હાઓમાંથી નિકળતો લાવા સીધો પ્રશાંત મહાસાગર સુધી પહોંચી ગયો હતો. ૧૯૮૩માં પૂ હાઓના વિસ્ફોટમાં લાવાના કારણે અસંખ્ય ઘર નષ્ટ થઇ ગયા હતા. ૨૦૦૮માં પણ ભૂકંપના કારણે જવાળામુખીથી લાવા નિકળ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં ઘણું નુકસાન પહોંચ્યુ હતું.

(4:14 pm IST)